જ્યારે સીએમ શિવરાજને પીએમ મોદીના સ્વાગત માટે શીવડાવેલો સૂટ દરજીને જ નહોતો ગમ્યો…
ભોપાલ: મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2023ની તૈયારીઓ થવા લાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ મધ્ય પ્રદેશની મુલાકાત લેશે ત્યારે તેમના સ્વાગત માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે અત્યારે જ્યારે વડા પ્રધાન આવવાના છે અને અત્યારે જેવી તૈયારીઓ ચાલી રહી છે એવી જ તૈયારીઓ 2014માં ચાલી હતી અને તે વખતે એક નાની એવી ઘટના બની હતી જેને આજે પણ શિવરાજ સિંહ યાદ કરે છે. જો કે અત્યારે ભાજપના પ્રચાર માટે સીએમ શિવરાજ સિંહ પણ પોતાના તરફથી કોઇ કસર છોડી રહ્યા નથી.
વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર મધ્ય પ્રદેશ ગયા ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ખાસ તૈયારીઓ કરી હતી. સ્વાગત સમારોહમાં હાજરી આપવા માટે શિવરાજ સિંહ ચૌહાણે પોતાના માટે એક સૂટ શીવડાવ્યો હતો.
2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા બાદ શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશ ઈન્વેસ્ટર સમિટમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે મધ્યપ્રદેશમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે દેશના વડા પ્રધાનને મળવા માટે શિવરાજ સિંહે એક ખાસ સૂટ શીવડાવ્યો હતો. જ્યારે શિવરાજ સિંહે તે સૂટ પહેર્યો ત્યારે તેમને બરાબર લાગ્યો પરંતુ દરજીને પોતે શીવેલો સૂટ એટલો પસંદ નહોતો આવ્યો તેને ફરી વાર તેમાં કેટલાક બદલાવ કર્યા તેમ છતાં હજુ દરજીને એ સૂટ ગમતો નહોતો.
સૂટનો રંગ આછો વાદળી હતો. સૂટ બન્યા બાદ જ્યારે સીએમએ તેનો પહેરી જોયો ત્યારે દરજીને તેમાં ઘણી ખામીઓ જોવા મળી. આ પછી દરજીએ બે-ત્રણ વખત તેમાં ઘણા ફેરફાર કર્યા. પરંતુ હજી પણ દરજી સૂટના ફિટિંગ વિશે ચોક્કસ ન હતો. એજ સૂટ પહેરીને સીએમ, પીએમ મોદીને આવકારવાના હતા.
બધો કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે દરજીને પૂછવામાં આવ્યું કે તે સીએમ શિવરાજ સિંહના સૂટથી કેમ સંતુષ્ટ નથી. ત્યારે દરજીએ કહ્યું હતું કે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ઘણા પાતળા વ્યક્તિ છે. આ કારણે કોઈપણ આછા રંગનો ડ્રેસ તેમના શરીરને સૂટ નથી થતો. સૂટનો ખભો તેમના શરીર પર બંધબેસતો નથી. આથી તે દરજીને સૂટ પસંદ નહોતો આવ્યો.
જો કે આ ઘટનાને ઘણો સમય થઇ ગયો અને અત્યારે તો સીએમ શિવરાજ સિંહ વધારે કુર્તા પાયજામામાં જોવા મળે છે પરંતુ અત્યારે ચૂંટણીના પ્રચાર માટે જ્યારે ફરી વડા પ્રધાન મધ્ય પ્રદેશની મુલાકાતે આવવાના છે ત્યારે સ્વાભાવિક આ ઘટના તાજી થઇ જાય છે.