ઘઉંના ભાવ આસમાનેઃ હવે રોટલી પણ મોંઘી થશે?
મુંબઇઃ સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન થઈ રહી છે. હાલમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. તેલ, મસાલા અને શાકભાજીના વધતા ભાવ અને હવે ઘઉંના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘઉં અને લોટના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. ઘઉંના પુરવઠામાં ઘટાડો થવાને કારણે ભારતીય ઘઉંના ભાવ સોમવારે વિક્રમી ઊંચાઈ પર પહોંચી ગયા હતા. હાલમાં તો લોટ મિલો પૂરી ક્ષમતા પર કામ કરવા માટે ઘઉંનો પૂરતો પુરવઠો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. બજારમાં ઘઉંનો પુરવઠો મર્યાદિત છે. રેકોર્ડ કિંમતો ચૂકવ્યા પછી પણ, લોટ મિલો સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવા માટે અસમર્થ છે.
આ વખતે સરકાર પાસે પણ ઘઉંનો સ્ટોક ઘણો ઓછો છે. નવેમ્બરમાં, સરકારે માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષમાં બલ્ક ગ્રાહકોને સરકારી અનામતમાંથી 25 લાખ ટન ઘઉં વેચવાની યોજના જાહેર કરી હતી. છેલ્લી સિઝનમાં વેચાયેલા અંદાજે 10 મિલિયન ટન કરતાં આ ઘણું ઓછું છે. એફસીઆઈ પાસે વધારાના ઘઉંનો સ્ટોક મર્યાદિત છે, જેના કારણે તે ખાનગી વેપારીઓને વધુ ઘઉં આપવા સક્ષમ નથી. ડિસેમ્બરની શરૂઆતમાં સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક કુલ 20.6 મિલિયન ટન હતો, જે ગયા વર્ષના 19.2 મિલિયન ટન કરતાં થોડો વધારે છે, પરંતુ 29.5 મિલિયનની પાંચ વર્ષની સરેરાશથી ઘણો ઓછો છે.
ખાનગી સ્ટોકિસ્ટો પાસે ઘઉંનો થોડો પુરવઠો છે તેઓ બ્લેક માર્કેટિંગના નિષ્ણાત હોય છે. તેઓ એક વર્ષ કે છ મહિના માટે અનાજ સંગ્રહિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે. એમના પર નજર રાખવાની જરૂર છે અને સરકારે તેની પાસેના અનામત જથ્થામાંથી બલ્ક ગ્રાહકોને વધુ ઘઉં વેચવાની જરૂર છે, એમ ફિલોર મિલ માલિકો જણાવે છે. મોંઘવારીના મારથી લોકો પરેશાન છે. એમાં હવે ઘઉંના ભાવમાં વિક્રમી વધારાની અસર પણ છેલ્લે તો આમ આદમી પર જ પડી છે અને લોકોની થાળીમાંથી હવે રોટલી પણ ગાયબ થઇ જાય એવો વખત આવી ગયો છે.
Also read: ઘઉંની સ્ટોક મર્યાદા વધુ કડક બનાવાઈ
મુંબઇ જેવા શહેરની વાત કરીએ તો નોકરી કરતા યુવાનો સમયના અભાવે ઘરે ખાવાને બદલે હોટલમાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ હાલમાં એવું થઈ રહ્યું છે કે હોટલોમાં પણ રોટલી મોંઘી થઈ રહી છે. ઘઉં અને લોટના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. આ કારણોસર, બે રોટલી જે અગાઉ હોટલોમાં રૂપિયા 20માં મળતી હતી, તેના ભાવમાં પણ વધારો થયો છે. આજકાલ એક રોટલીની કિંમત 20 રૂપિયા થઇ ગઇ છે, જે બહુ જ મોંઘી છે અને બધાને પરવડે તેમ નથી. હોટેલ સંચાલકો પણ એમ કહે છે કે જો તેઓ 20 રૂપિયાની કિંમતની રોટલી નહીં વેચે તો તેમને નુકસાન થશે અને ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનશે. આ સ્થિતિમાં લોકો હવે એવું કહેવા માંડ્યા છે કે હવે રોટલી ખાવાનું પણ બંધ કરવું પડશે