નેશનલ

‘સેબી’ પાસેના ₹ ૨૫,૦૦૦ કરોડનું શું થશે?

નવી દિલ્હી: સહારા જૂથના વડા સુબ્રતો રોયના નિધનને પગલે બજાર નિયામક ‘સેબી’ના ખાતામાં પડી રહેલા રૂ. ૨૫,૦૦૦ કરોડના ભંડોળનો મુદ્દો ફરી કેન્દ્રસ્થાને આવી ગયો છે.
લાંબી માંદગી બાદ રોયનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું.

બનાવટી સ્કીમ મારફતે નિયામકો સાથે છેતરપિંડી કરવાના આક્ષેપો અને સહારા જૂથ સાથે સંકળાયેલી અનેક કંપનીઓ પર ચાલી રહેલા સંખ્યાબંધ કેસનો રોય સામનો કરી રહ્યા હતા.

વર્ષ ૨૦૧૧માં સેબીએ સહારા જૂથની સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિ. અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિ. કંપનીને ઑપ્શનલી ફૂલ્લી ક્ધવર્ટિબલ બૉન્ડ તરીકે જાણીતા ચોક્કસ બૉન્ડ મારફતે ત્રણ કરોડ જેટલા રોકાણકારો પાસેથી ઉઘરાવેલી રકમ પરત કરવાનો આદેશ આપ્યો હતો.

નિયમો અને શરતોનો ભંગ કરીને આ બે કંપનીએ ભંડોળ ઊભું કર્યું હોવાનો નિયામકે ચુકાદો આપ્યા બાદ ઉપરોક્ત આદેશ આપવામાં આવ્યો હતો.

અપીલ અને ક્રોસ-અપીલની લાંબી પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટે ૩૧ ઑગસ્ટ ૨૦૧૨ના સેબીના આદેશને માન્ય રાખ્યો હતો અને બંને કંપનીને ત્રણ કરોડ જેટલા રોકાણકારો પાસેથી ઉઘરાવેલી રકમ વાર્ષિક ૧૫ ટકાના વ્યાજ સાથે પાછી આપવાનો આદેશ આપ્યો હતો.

રોકાણકારોને રકમ પાછી આપવા સેબીએ સહારા જૂથને રૂ. ૨૪,૦૦૦ કરોડ જમા કરાવવા જણાવ્યું હતું. સહારા જૂથે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે રોકાણકારોને સીધી જ ૯૫ ટકા કરતા પણ વધુ રકમ પાછી આપી દીધી હતી.

‘સેબી’ના તાજા અહેવાલમાં જણાવ્યા અનુસાર છેલ્લાં ૧૧ વર્ષમાં સેબીએ સહારા જૂથની બે કંપનીના રોકાણકારોને રૂ. ૧૩૮.૦૭ કરોડ ચૂકવી દીધા હતા.

દરમિયાન, રિપેમેન્ટ માટે ખોલવામાં આવેલા વિશેષ બૅન્ક ખાતામાંની રકમનો આંક વધીને રૂ. ૨૫,૦૦૦ કરોડ કરતા પણ વધુ થઈ ગયો છે. સહારા જૂથની બે કંપનીના બૉન્ડધારકોમાંથી મોટાભાગનાઓએ દાવો ન કર્યો હોવાને કારણે વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં અંદાજે માત્ર સાત લાખ રૂપિયાનું જ રિફંડ કરી શકાયું હતું.

આ સમયગાળા દરમિયાન સેબી-સહારાના બૅન્ક ખાતામાં રૂ. ૧,૯૮૭ કરોડ જમા હતા.

વાર્ષિક અહેવાલ મુજબ ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં સેબીને ૫૩,૬૮૭ ખાતાધારકોની ૧૯,૬૫૦ અરજી મળી હતી જેમાંથી ૪૮,૩૨૬ ખાતાધારકોની ૧૭,૫૨૬ અરજીનો નિકાલ કરી રૂ. ૧૩૮.૦૭ કરોડની ચુકવણી કરવામાં આવી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button