મથુરા મુદ્દે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને શું આપ્યું નિવેદન?
મુંબઈ: પાંચસો વર્ષના ઇંતજાર પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજ્યા છે. પણ શ્રી કૃષ્ણ પણ હવે પોતાના જન્મસ્થાનમાં ભવ્ય મંદિરમાં સ્થાન પામશે એવો સંકેત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે.
તેમણે મથુરા અને કાશીમાં શ્રી કૃષ્ણ અને ભોળાનાથના આલીશાન મંદિર બનશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા ફડવીસે જણાવ્યું હતું કે અયોધ્યા, કાશી અને મથુરા આ પવિત્ર સ્થળો છે. જે રીતે શ્રી રામ જન્મભૂમિનો પ્રશ્ર્ન ઉકેલવામાં આવ્યો એ રીતે કાયદેસર રીતે મથુરા ખાતે શ્રી કૃષ્ણ મંદિર પણ ઊભું થશે. ગીત-ભક્તિ-ભજનના અમૃત મહોત્સવમાં હાજર ફડણવીસે પત્રકારો સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું હતું.
મથુરામાં કૃષ્ણ ભગવાનનું પણ મંદિર નિર્માણ થશે એવો વિશ્વાસ પ્રગટ કરતા તેમણે કહ્યું હતું કે અનૂકૂળ વાતાવરણમાં મથુરામાં પણ શ્રીકૃષ્ણનું મંદિર બાંધવામાં આવશે. સંજય રાઉતે ફડણવીસ ઉપર મોરીસ-અભિષેક ઘોસાળકર પ્રકરણે કરેલી ટીકાનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે સંજય રાઉત કોણ છે? તે કોઇ મોટો નેતા છે કે? કોઇ મોટો નેતા હોય તો મને પૂછજો. આવા શબ્દોમાં તેમણે સંજય રાઉતને જવાબ આપ્યો હતો.
રાજ્યના કેબિનેટ પ્રધાનો ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરના દર્શને જશે, એમ ફડણવીસે જણાવ્યું હતું. ભાજપની સરકર જે રાજ્યોમાં છે તે રાજ્યોના પ્રધાને વારાફરથી અયોધ્યાના દર્શને જઇ રહ્યા છે અને મહારાષ્ટ્રના પ્રધાનો પણ શ્રી રામના દર્શને જશે એ નક્કી છે, એવું ફડણવીસના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે.