મોદી સરકાર હવે શું મારશે માસ્ટર સ્ટ્રોક? જાણો શું છે પ્લાન…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એકબાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. કલમ 370 નાબૂદ, રામ મંદિર નિર્માણ, યુસીસી તેના એજન્ડામાં સામેલ હતા. જેમાંથી બે પૂર્ણ થઈ ચુક્યા છે અને યુસીસીની દિશામાં ભાજપ શાસિત રાજ્ય સરકારો આગળ વધારી રહી છે. ભાજપ સરકારે તેના છેલ્લા બે કાર્યકાળ અને ત્રીજા કાર્યકાળના પ્રથમ 10 મહિનામાં અનેક મોટા અને વિવાદાસ્પદ મુદ્દા ઉઠાવ્યા છે. જે વૈચારિક આધારે આરએસએસ સાથે જોડાયેલા છે. સંઘ લાબા સમયથી સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીયતા પર આધારિત ભારતની કલ્પના કરે છે. રામ મંદિર, કલમ 370ની સાથે સાથે ત્રિપલ તલાક રદ્દ કરવા તથા સીએએ લાગુ કરવા સંઘ અને સરકારની વિચારધારાનું પરિણામ છે. પરંતુ ભાજપનું આગામી પગલું કયું હશે તેની ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો ભાજપ હવે મથુરા-કાશી, વસતી નિયંત્રણ, એનઆરસી જેવા મુદ્દા પર કામ કરવા જઈ રહી છે.
રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ભાજપ સરકાર પાસે એવા કેટલાય મુદ્દા છે, જે રાજકીય-ધાર્મિક અને સામાજિક અસર કરી શકે છે. મથુરા અને વારાણસીનો મુદ્દો પણ આવો જ છે. દત્તાત્રેય હોસબલે પણ તેમના નિવેદનમાં આ સંકેત આપી ચુક્યા છે. મથુરા અને વારાણસીને ભાજપ તેના ચૂંટણી ઢંઢેરામાં સામેલ નથી કર્યા પરંતુ કોર્ટ દ્વારા આ મુદ્દો ઉકેલાય તેમ ઈચ્છે છે. વારાણસી અને મથુરાના મંદિરને પુનઃપ્રાપ્ત કરવા ભાજપના એજન્ડામાં છે કે નહીં તે સવાલનો જવાબ આપતાં ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ 2022માં કહ્યું હતું કે, વિવાદાસ્પદ ધાર્મિક મામલાના નિર્ણય કોર્ટ અને બંધારણ દ્વારા કરવામાં આવશે. હાલ બંને મામલા કોર્ટમાં છે.
દત્તાત્રેય હોસબલેએ તાજેતરમાં કહ્યું હતું કે, મથુરા અને વારાણસીને લઈ સંઘનો કોઈ પ્લાન નથી પરંતુ જો સંઘ કાર્યકર્તા આ આંદોલનમાં સામેલ થશે તો સંઘ તેમને નહીં રોકે. આ બંને વિવાદ ભાજપ અને સંઘના અધૂરા સપનાનું પ્રતીક છે. સપ્ટેમ્બર 2024માં વિશ્વ હિન્દુ પરિષદની બેઠક અને કાયદા નિષ્ણાતો સાથે ચર્ચાથી રામ મંદિરની જેમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે તેવો સંકેત મળ્યો છે. જોકે ભાજપ દ્વારા આ અંગે હજુ કોઈ સંકેત આપવામાં આવ્યો નથી.
ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ચુક્યું છે. ગુજરાતે જાહેરાત કરી દીધી છે પરંતુ વિપક્ષ તેને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવી રહી છે. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર ભારતમાં એક સત્તાવાર રજિસ્ટ્ર છે, જેમાં દેશના કાયદેસર રહેતા નાગરિકોના નામ અને ઓળખની જાણકારી નોંધવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરવી અને તેમને દેશમાંથી હાંકી કાઢવાનો છે. ભાજપ અને તેનું સમર્થન કરતાં પક્ષો આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા અને ગેરકાયદે ઘૂસણખોરીને રોકવાનો પ્રયાસ માને છે. જ્યારે વિપક્ષ તેને ધાર્મિક ભેદભાવ અને નાગરિકોને પરેશાન કરતું પગલું ગણાવે છે. આવનારા દિવસોમાં ભાજપ મથુરા, વારાણસી, એનઆરસી લાગુ કરીને એક માસ્ટર સ્ટ્રોક મારી શકે છે.
આપણ વાંચો : અંતે રાજ્યસભામાં પણ વકફ બિલને મંજૂરી; PM મોદીએ પાઠવ્યો સંદેશ