હરિયાણામાં ખટ્ટરના રાજીનામા અને સૈનીની તાજપોશી પાછળ શું છે ભાજપની રણનિતી? જાણો

લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાના રાજકારણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. આજે મંગળવારે આખો દિવસ રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ થતી જોવા મળી. રાજ્યના સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે અને તેમના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની આજે શપથગ્રહણ કરશે. હરિયાણામાં ભાજપે આટલો મોટો રાજકીય નિર્ણય લેતા રાજકીય પંડિતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વર્તમાન સીએમ ખટ્ટરના રાજીનામાને લઈ રાજકારણ ગરમાયું છે. ખટ્ટરે કયા કારણોથી રાજીનામું આપ્યું તેને લઈ અફવાઓનું બજાર ગરમ છે.
હરિયાણાના સીએમ ખટ્ટરના રાજીનામા અંગે એવો તર્ક આપવામાં આવે છે કે JJPની સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ તેની જાટ બેંક જાળવી રાખવા માગે છે. રાજ્યમાં કિસાન આંદોલનના પગલે જાટો ભાજપથી વિમુખ થઈ રહ્યા હતા. ભાજપે જાટોના દિલ જીતવા પંજાબી ખત્રી મનોહરલાલ ખટ્ટરના બદલે જાટનેતા નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ તરીકે પસંદ કર્યા છે. હરિયાણામાં અત્યાર સુધી ભાજપે જાટ પ્રદેશ પ્રમુખ અને બિન-જાટ મુખ્ય પ્રધાનની ફોર્મ્યુલા અપનાવી છે., પરંતુ ઑક્ટોબર 2023માં ભાજપે તેની રણનીતિ બદલીને જાટના બદલે સમગ્ર ઓબીસી સમુદાયને સંતોષવા માટે નાયબ સિંહ સૈનીને આગળ કરવાની રણનીતિ બનાવી છે. રાજ્યમાં જાતિગત સમીકરણો ધ્યાનમાં રાખીને ભાજપે સૈનીને મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.
જો કે આ દરમિયાન સીએમ ખટ્ટર સાથે ભાજપે મોટી ગેમ કરી નાખી છે, હજુ ગઈ કાલે પીએમ મોદીએ સીએમ ખટ્ટરના વખાણ કર્યા હતા, અને આજે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. પીએમ મોદી દ્વારકા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન માટે હરિયાણા આવ્યા હતા, ત્યારે તેમણે ખટ્ટરની પ્રશંસા કરતા કહ્યું હતું કે , ‘હરિયાણા સરકાર અને સીએમ મનોહર લાલ ખટ્ટરે તેના એક્સપ્રેસ વેના નિર્માણમાં તત્પરતા દાખવી છે. ખટ્ટરને પોતાના જૂના મિત્ર ગણાવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે કાર્પેટ પર સૂવાનો સમય હતો ત્યારે પણ અમે સાથે હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે તે બંને મોટરસાઈકલ પર હરિયાણામાં પ્રવાસ કરતા હતા. ‘રોહતકથી પ્રવાસ શરૂ કરતા અને ગુરુગ્રામમાં રોકાતા હતા’, વડા પ્રધાને સોમવારે કહ્યું, ‘તે સમયે તેમની (ખટ્ટર) પાસે મોટરસાઇકલ હતી. અમે તેના પર બેસીને હરિયાણાની આસપાસ ફરતા હતા. વડા પ્રધાને કહ્યું કે ખટ્ટર મોટરસાઇકલ ચલાવતા હતા અને હું પાછળ બેસતો હતો. તે સમયે, ગુરુગ્રામમાં નાના રસ્તાઓ પર ઘણી સમસ્યાઓ હતી.”