
નવી દિલ્હીઃ સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું. આ પાછળ તેમણે સ્વાસ્થ્યનું કારણ જણાવ્યું હતું. તેમનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો. આ પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. થોડા દિવસ અગાઉ એક કાર્યક્રમમાં તેમણે હું 2027માં નિવૃત્ત થઈશ તેમ કહ્યું હતું. તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની વાત કરતા હતા પરંતુ એવું શું થયું કે અચાનક રાજીનામું આપી દીધું, તે જાણવામાં સૌને રસ છે.
પશ્ચિમ બંગાળના તત્કાલીન રાજ્યપાલ જગદીપ ધનખડે 2022માં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા. તેમને 725માંથી 182 વોટ મળ્યા હતા. તેમણે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે 10 ઓગસ્ટે શપથ લીધા હતા. તેનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધી હતો. આ રીતે તેમનો કાર્યકાળ પૂરો થવામાં બે વર્ષ બાકી હતા. તેમ છતાં તેમણે રાજીનામું આપ્યું હતું. રાજીનામા પત્રમાં તેમણે વડા પ્રધાનનો આભાર માન્યો હતો.

11 દિવસમાં એવું તે શું થયું કે ધનખડે આપ્યું રાજીનામું
10 જુલાઈના રોજ ધનખડ દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ સમયે તેમણે કહ્યું કે, ઓગસ્ટ 2027માં ભગવાનની કૃપાથી સેવાનિવૃત્ત થઈ જઈશ. તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધી હતો. તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની વાત કરતા હતા પરંતુ સોમવારે રાજીનામું આપી દીધું હતું.
ધનખડના સ્વાસ્થ્યમાં માર્ચ મહિનાથી ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતો. 9 માર્ચના રોજ તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ બાદ 12 માર્ચે તેમને રજા આપવામાં આવી હતી. આ પછી 25 જૂને ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ફરી બગડી હતી, જ્યાં તેઓ પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ પાલના ખભા પર હાથ રાખીને બહાર આવ્યા હતા અને બાદમાં તેમને ગળે લગાડીને રડી પડ્યા હતા. રાજભવનમાં ડોકટરો દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી.
સ્વાસ્થ્યની તકલીફ હોવા છતાં 10 જુલાઈએ ધનખડે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે તેમણે રાજ્યસભાને સંબોધિત કરી હતી. મહાભિયોગના મુદ્દા પર બોલવાની સાથે, તેમણે રાજકીય પક્ષોને તણાવ અને સંઘર્ષ ઘટાડવા અપીલ પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન કરવાની જવાબદારી પણ તેમના પર હતી. સોમવારે આખો દિવસ તેમણે ગૃહની કાર્યવાહીનું સંચાલન કર્યું, પરંતુ મોડી રાત્રે તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ
જગદીપ ધનખડ પહેલાં પણ બે ઉપરાષ્ટ્રપતિ એવા હતા જેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. કૃષ્ણ કાંતે 21 ઓગસ્ટ 1997ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા, પરંતુ 27 જુલાઈ 2002ના રોજ કાર્યકાળ દરમિયાન જ તેમનું નિધન થયું હતું, જેના કારણે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. આ ઉપરાંત, વી.વી. ગિરિએ પણ 1969માં ઉપરાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકાય તે માટે તેમણે રાજીનામું આપ્યું હતું.
જગદીપ ધનખડનો કાર્યકાળ બે વર્ષથી વધુનો બાકી હતો, ત્યારે તેમનું આ અચાનક રાજીનામું એક મોટી રાજકીય ઘટના બની છે. સવાલ એ ઊભો થાય છે કે શું તેમણે રાજીનામું આપવાનો નિર્ણય ખૂબ જ ઉતાવળમાં લીધો હતો? અને જો હા, તો તેની પાછળના સાચા કારણો શું છે? રાજકીય વિશ્લેષકો આ ઘટનાક્રમ પાછળના સંભવિત રાજકીય ગણિતોની અટકળો લગાવી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પાછળનું એક મુખ્ય કારણ ન્યાયમૂર્તિ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવને માન્યતા આપવાનું મનાઈ રહ્યું છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષ દ્વારા રાજ્યસભામાં યશવંત વર્માને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે લોકસભામાં મોદી સરકાર પણ આવો પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં હતી, ત્યારે ધનખડે લોકસભામાં પ્રસ્તાવ આવે તે પહેલાં જ રાજ્યસભામાં વિપક્ષના પ્રસ્તાવને સ્વીકારી લીધો. રાજ્યસભાના 50થી વધુ સભ્યોની સહીઓ સાથેનો આ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયાનો એક ભાગ હતો. ધનખડના આ પગલાથી સરકાર નારાજ હોવાનું માનવામાં આવે છે.
શું જે.પી. નડ્ડાથી નારાજ હતા ધનખડ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યસભામાં ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવને સ્વીકારવાની વાત સરકારને ગમતી નહોતી. ત્યારબાદ ગૃહમાં જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે મારા શબ્દો રેકોર્ડમાં નોંધાશે, જેને સીધી રીતે ચેયરનું અપમાન માનવામાં આવ્યું હતું. જોકે, જે.પી. નડ્ડાએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ વાત ચેયરનું અપમાન કરવા માટે નહીં, પરંતુ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા ઘોંઘાટને કારણે કહી હતી.
સદનની કાર્યવાહી દરમિયાન લગભગ 4:30 વાગ્યે બિઝનેસ એડવાઈઝરી કમિટી (BAC)ની બીજી બેઠક યોજાઈ હતી. જેમાં સત્તા પક્ષના પ્રતિનિધિ તરીકે સૂચના અને પ્રસારણ રાજ્ય પ્રધાન એલ. મુરુગન હાજર રહ્યા હતા. મુરુગને સભાપતિ જગદીપ ધનખડને આગલા દિવસે એટલે કે મંગળવારે બેઠક ફરીથી ગોઠવવા વિનંતી કરી હતી.
આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે વિપક્ષનો હોબાળો, બંને ગૃહ કરાયા સ્થગિત
BAC બેઠકમાં ગેરહાજરીથી નારાજગી અને રાજકીય સંદેશ
જગદીપ ધનખડ BAC બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા જે.પી. નડ્ડા અને સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુની ગેરહાજરીથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. ગત દિવસે બે વખત બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે પણ BAC બેઠકમાં જે.પી. નડ્ડા અને કિરેન રિજિજુની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ રીતે નડ્ડાએ પોતાની નારાજગી વ્યક્ત કરીને જગદીપ ધનખડને એક રાજકીય સંદેશ આપ્યો હતો. ધનખડે આ જ કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે.
ધનખડના અચાનક રાજીનામા પાછળના આ રાજકીય કારણો ભવિષ્યમાં વધુ રાજકીય હલચલ મચાવી શકે છે.