સૌરવ ગાંગુલીએ પોલીસમાં શેની ફરિયાદ કરી?

કોલકતા: કોઈ મોટી હસ્તીના ઘરમાં કે ઑફિસમાં કામ કરવાની તક મળે એને ઘણા પોતાનું સૌભાગ્ય ગણતા હોય છે, પણ અમુક લોકો એવા પણ હોય છે જેઓ નામાંકિત વ્યક્તિના ઘરમાં કામ મળવા છતાં પોતાની આદતથી મજબૂર થઈને ખોટું કામ કરતા અચકાતા નથી હોતા અને ડરતા પણ નથી હોતા.
કોલકતાના બેહાલા વિસ્તારમાં ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીના નિવાસસ્થાનમાંથી મોંઘોદાટ મોબાઇલ ચોરાઈ ગયો છે અને ગાંગુલીએ શનિવારે ઠાકુરપુકુર પોલીસમાં ફરિયાદ કરી હતી.
ગાંગુલીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૧.૬૦ લાખ રૂપિયાની કિંમતના એ મોબાઇલમાં તેના ઘણા અંગત તથા મહત્ત્વપૂર્ણ કૉન્ટેક્ટ નંબર અને ઘણી ગુપ્ત માહિતીઓ હોવાથી આ ફોનનો દુરુપયોગ ન થાય એ માટે ત્વરિત પગલાં લેવાની ગાંગુલીએ સત્તાવાળાઓને વિનંતી કરી હતી.
આ મોબાઇલ ચોરાયો ત્યારે ગાંગુલી ઘરમાં નહોતો. તે શનિવારે સવારે 11.30 વાગ્યે ઘરમાં મોબાઇલને ચોક્કસ જગ્યાએ રાખીને બહાર ગયો હતો, પણ પાછા આવ્યા બાદ જોયું તો મોબાઇલ ગુમ હતો. ગાંગુલીના ઘરમાં મોટા પ્રમાણમાં પેઇન્ટિંગને લગતું કામ ચાલી રહ્યું છે અને આ કામ માટે ઘરમાં ઘણા કડિયાને બોલાવવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે આ કામ કરનારાઓમાંથી જ એક જણે મોબાઇલ ચોરી લીધો હશે.
ગાંગુલીએ ફરિયાદમાં એવું પણ કહ્યું હતું કે ‘મારો ફોન નંબર મારા બૅન્ક અકાઉન્ટ સાથે જોડાયેલો છે.’
ગાંગુલી હાલમાં દિલ્હી કૅપિટલ્સ ટીમનો ડિરેકટર છે.