
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આજે સંસદમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે મહાકુંભનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહાકુંભના આયોજનમાં યોગદાન આપનારા લોકોનો આભાર માન્યો હતો. લોકસભામાં પીએમ મોદીએ કહ્યું, પ્રયાગરાજમાં થયેલા મહાકુંભને લઈ ગૃહના માધ્યમથી દેશવાસીઓને નમન કરું છું. મહાકુંભની સફળતામાં અનેક લોકોનું યોગદાન છે. હું સરકાર, સમાજના તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું. દેશભરના શ્રદ્ધાળુઓ, ઉત્તર પ્રદેશ તથા ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું.
પીએમ મોદીએ કહ્યું, સમગ્ર વિશ્વએ મહાકુંભના રૂપમાં ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા. આ લોકોના સંકલ્પો માટે અને તેમની શ્રદ્ધાથી પ્રેરિત મહાકુંભ હતો. મહાકુંભમાં આપણે રાષ્ટ્રીય ચેતના જાગરણના વિરાટ દર્શન કર્યા હતા. જે નવા સંકલ્પોની સિદ્ધિ માટે પ્રેરિત કરે છે.
ગૃહમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, ગત વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તમામને દેશ આગામી હજારો વર્ષો માટે તૈયાર થઈ રહ્યો હોવાનો અનુભવ થયો હતો. આ વખતે મહાકુંભના આયોજને આપણા તમામના વિચારને અર્પણ કર્યા હતા. માનવ જીવનના ઈતિહાસમાં આવતાં ઘણા વળાંક આવનારી પેઢી માટે ઉદાહરણરૂપ બને છે. આપણા દેશના ઈતિહાસમાં દેશને જાગૃત કરતી ઘણી ક્ષણો આવી છે.
આ પણ વાંચો…ઇઝરાયેલે યુદ્ધ વિરામ કરાર ઉથલાવ્યો; ગાઝામાં ઘાતક એર સ્ટ્રાઈક, 100 થી વધુના મોત
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, દેશની સામુહિક ચેતનાનું પરિણામ મહાકુંભ દરમિયાન જોવા મળ્યું હતું. યુવા પેઢી પૂરા ભાવથી મહાકુંભમાં સામેલ થઈ હતી. મહાકુંભ પર સવાલ ઉઠાવનારાને જવાબ મળ્યો હતો. દેશના ખૂણે ખૂણાથી આધ્યાત્મિક ચેતના આવી હતી.