
ભુજઃ ગ્રીન કમાન્ડો એટલે કે,પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના વાવેતરને વધારવા માટે મિયાવાંકી વનપદ્ધતિથી કઈ રીતે વૃક્ષોને ઉછેરીને ઓછા સમયમાં ઘટાદાર જંગલો ઉભા કરી શકાય એ ભણવા માટે હજારો કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના પાલસમુદ્રમ ગામની ઝેડ-પી સરકારી શાળાના ૨૭ ભૂલકાં હાલ કચ્છ આવ્યા છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને મોકલેલા આ બાળકોએ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ભુજના ભુજીયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે કૃત્રિમ રીતે વિક્સાવેલા વિશ્વના સૌથી મોટા મિયાવાંકી જંગલમાં જઈને, મિયાવાકી પદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી.
ગત ૨૪મી જુલાઈના રોજ કચ્છ આવેલા આ બાળકોએ ત્રણ દિવસ સુધી ભાતીગળ પ્રદેશ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને આગવી કચ્છી સંસ્કૃતિથી પરિચિત થયા હતા જેમાં ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે ઓછા સમયમાં, ઓછી જગ્યામાં ઝડપી મોટા થતા વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન બેલ્ટ વધારી શકાય તે હેતુથી તેમણે ભૂજીયાની તળેટીમાં બનાવવામાં આવેલા મિયાવાકી વનની ખાસ મુલાકાત લીધી હતી. આ વિશ્વના સૌથી મોટા જંગલના ગાઈડ પાસેથી મિયાવાકી પદ્ધતિ મુજબ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કઈ રીતે કરી શકાય તે અંગે બાળકોએ ખાસ તાલીમ મેળવીને ૪૦ જેટલા વૃક્ષો મિયાવાકી પદ્ધતિ મુજબ વાવેતર પણ કર્યું હતું. સ્મૃતિવનમાં જઈને ભૂકંપનો અનુભવ મેળવીને તેઓ કચ્છમાં વર્ષ ૨૦૦૧ના પ્રજાસતાક પર્વના દિવસે આવેલી આપત્તિ કેટલી ભયાવહ હતી તેનો અહેસાસ કર્યો હતો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે જરૂરી માહિતી મેળવી હતી.
ગરીબ- મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા સરકારી શાળાના આ બાળકો કે જેમના માટે વિમાનમાં બેસવું એક કલ્પના સમાન હોય તે આ તાલીમના અનુસંધાને સાકાર થતાં તેના સુખદ અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારામનના કારણે તેમનું વિમાનમાં બેસવાનું સપનું સાકાર થયું, ઉપરાંત અત્યાર સુધી સાંભળ્યું હતું કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…એ ઉક્તિને પણ ત્રણ દિવસ કચ્છમાં ફરીને નજીકથી અનુભવી.
આપણ વાંચો: IRCTCની 2.5 કરોડ આઈડી ડિએક્ટિવેટ કરી Indian Railwayએ, બદલાયા મહત્ત્વના નિયમો…
આ બાળકો સાથે આવેલા શિક્ષક સલીમ સૈયદે જણાવ્યું હતું કે, જૂન માસમાં તેમના જિલ્લામાં એક સંસ્થાના કાર્યક્રમમાં ભારતના નાણામંત્રી નિર્મલાજી સીતારામન આવ્યા હતા, ત્યાં તેમણે મિયાંવાકી પદ્ધતિ મુજબ વૃક્ષારોપણ કર્યું હતું, આ સમયે આમંત્રિત અમારી શાળાના બાળકો સાથે નાણામંત્રીએ આ જાપાનીઝ પદ્ધતિથી કઈ રીતે વૃક્ષોનો ઉછેર થાય છે એ અંગે સંવાદ કર્યો હતો, તે બાદ આ પદ્ધતિથી બાળકો અવગત થાય અને તેઓ આ પદ્ધતિ શીખી અને આ દિશામાં કામ કરે એ માટે તેમણે ખાસ વિશ્વના સૌથી મોટા મિયાવાકી વન કચ્છ ખાતે તેમને આ અંગેની તાલીમ મળે એ માટે ખાસ ગુજરાતનો પ્રવાસ ગોઠવવા જિલ્લા વહીવટી તંત્રને જણાવ્યું હતું. જે અંતર્ગત પાંચ શિક્ષક સાથે ૧૫ વિદ્યાર્થી તેમજ ૧૨ વિદ્યાર્થીનીઓ ત્રણ દિવસના કચ્છના પ્રવાસે આવ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, ત્રણ દિવસના પ્રવાસમાં તેમણે, સ્મૃતિ વન ખાતે ભુજીયાના જંગલમાં મિયાવાકી પદ્ધતિની તાલીમ મેળવવા ઉપરાંત, રક્ષક વન, ઓછી જગ્યા હોવા છતાં પણ ૧૦,૦૦૦ વૃક્ષોથી લહેરાતા વન કવચ, રુદ્ર માતા ડેમની મુલાકાત લઈને પર્યાવરણ જાળવણીના પાઠ ઉપરાંત જળસંચયની વિગતો મેળવી હતી. સાથે જ રોડ ટુ હેવન તેમજ સફેદ રણનો નજારો માણીને બાળકો આનંદિત થઇ ઉઠ્યા હતા. આ ઉપરાંત ક્રાફટ વિલેજ એવા ભુજોડી ખાતે કચ્છની હસ્તકલા અને સંસ્કૃતિથી તેઓ પરિચિત થયા હતા, તેમજ વંદે માતરમ મેમોરિયલની મુલાકાત લીધી હતી. ધોળાવીરા ખાતે તેઓએ પ્રાચીન સભ્યતા વિશે જાણકારી મેળવી હતી. ઉપરાંત તેઓએ ભુજ ખાતે આઈના મહેલ, પ્રાગમહેલ,છતરડી, નૂતન સ્વામિનારાયણ મંદિર સહિત અન્ય જોવાલાયક સ્થળો જોઈને કચ્છની સંસ્કૃતિને તેમજ કચ્છની પરંપરાઓને નજીકથી માણી હતી તેમ તેઓએ ઉમેર્યું હતું.
કચ્છના વનને જાપાનીઝ નામ
અત્રે ઉલ્લેખનીય છે કે, જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડો.અકિરા મિયાવાકીના નામ પરથી મિયાવાકી જંગલનું નામ અપાયું છે.આ જંગલમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિ અને વૃક્ષો એકબીજાની તદ્દન નજીક રોપવામાં આવે છે અને થોડા વર્ષોમાં આવું વાવેતર ગાઢ જંગલમાં ફેરવાઈ જાય છે. મિયાવાકી પદ્ધતિથી માત્ર બે કે ત્રણ વર્ષના સમયગાળામાં ગાઢ જંગલો ઊભાં કરી શકાય છે. રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગના ઉપક્રમે, ભારતના ‘ગ્રીન હીરો’ તરીકે ઓળખાતા ડો.રાધાક્રિશ્નન નાયર દ્વારા આ જંગલના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી છે. ભુજ ખાતેના ભુજિયા ડુંગર પર આવેલું આ મિયાવાકી જંગલ દુનિયાનું સૌથી મોટું કૃત્રિમ જંગલ છે.
આ જંગલને કારણે પર્યાવરણને ખુબ મોટો લાભ થઇ રહ્યો છે. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈટને આ જંગલ શોષી રહ્યું છે જેની સ્પષ્ટ અસર ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. સ્થાનિક વાઈલ્ડ લાઈફને માટે પણ તે આશીર્વાદરૂપ બન્યું છે અને બાયોડાઇવર્સીટી અને ઇકોલોજીકલ સંતુલન જળવાઈ રહ્યું છે. આ ઉપરાંત તેનાથી હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ સારો રહે છે.