નાગપુરમાં કૉંગ્રેસના સ્થાપના દિવસની જોરશોરથી તૈયારી પણ શું…

નાગપુરઃ દેશની સૌથી જૂની પાર્ટી અને આઝાદી બાદ સૌથી વધારે સત્તા ભોગવનાર કૉંગ્રેસનો 138મો સ્થાપના દિવસ નાગપુર ખાતે ઉજવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
કોંગ્રેસ પાર્ટી 28 ડિસેમ્બરે 138 વર્ષ પૂર્ણ કરશે. આ અવસર પર કોંગ્રેસે નાગપુરમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું છે. પાર્ટીએ જાહેરાત કરી છે. આ દિવસથી લોકસભાના આવનારા જંગનો શંખનાદ પણ થશે ત્યારે કૉંગ્રેસ માટે આ માત્ર લોકસભાની ચૂંટણી નહીં પણ અસ્તિત્વ ટકાવી રાખવાનો પણ જંગ સાબિત થશે.
28મી ડિસેમ્બરે નાગપુરમાં કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ માટે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ કાર્યકારી સમિતિના તમામ નેતાઓ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ભાગ લે તેવી અપેક્ષા છે. અશોક ચવ્હાણે તૈયારીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે 7 થી 8 લાખ કાર્યકરો ભાગ લેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હમ તૈયાર હૈ સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાશે. નાગપુર પૂર્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નાગપુરમાં આયોજિત કોંગ્રેસના સ્થાપના દિવસની માહિતી આપતા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે આ લડાઈ વિચારધારાની છે. જેની શરૂઆત નાગપુરથી થઈ હતી. આ માટે કોંગ્રેસે નાગપુરમાં સ્થાપના દિવસનું આયોજન કર્યું છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બરે મુંબઈમાં ગોકુલ દાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તે સમયે પાર્ટીના સ્થાપક જનરલ સેક્રેટરી એઓ હ્યુમ હતા. તેના પ્રથમ સ્થાપના દિવસે, એઓ હ્યુમે કલકત્તાના વ્યોમેશ ચંદ્ર બેનર્જીને પાર્ટીના પ્રથમ અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હતા. પક્ષનો ઈતિહાસ ઘણો લાંબો અને રસપ્રદ છે અને સ્વાભાવિક રીતે ભારતની દરેક ચળવળ તેમ જ આઝાદી પહેલા અને પછીની ઘટનાઓ સાથે જોડાયેલો છે.
જોકે હાલમાં દેશનો સૌથી જૂનો પક્ષ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ લડી રહ્યો છે. કેન્દ્રમાં અને રાજ્યોમા સતત સત્તા ગુમાવી રહેલા પક્ષે ભલે હમ તૈયાર હૈનો નારો લગાવે પણ હકીકતમાં પક્ષ ભાજપ સામે ટક્કર લેવામાં વામણો પુરવાર થઈ રહ્યો છે. તાજેતરમાં પક્ષે લોકો પાસેથી ફંડ માગવાનું પણ ચાલુ કર્યું છે. ફંડ કરતા પણ મજબૂત નેતાગીરીનો અભાવ પક્ષને કનડી રહ્યો છે અને તેનો ઉકેલ તેમને સૂઝતો નથી ત્યારે આવનારી ચૂંટણી તેમની માટે ખરાખરીનો જંગ સાબિત થશે.