રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય ખેલાડીઓની જીતઃ બ્રિજભૂષણ

ગોંડા/વારાણસીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યૂએફઆઇ) પરથી સસ્પેન્શન હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું આ રમતગમત સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને કૈસરગંજના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે સ્વાગત કર્યું છે.
ફેડરેશનના પ્રમુખ સંજય સિંહે સસ્પેન્શન હટાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રમતગમત મંત્રીનો આભાર માન્યો હતો. બ્રિજ ભૂષણે કહ્યું હતું કે, “26 મહિના સુધી ઘણા કાવતરાં રચવામાં આવ્યા, ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને ભારતીય કુસ્તીને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કાવતરાખોરો તેમના ઉદ્દેશ્યમાં સફળ થઈ શક્યા નહીં. આ વિવાદને કારણે ટીમ બે વિશ્વ રેન્કિંગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહીં, તાલીમ શિબિરો બંધ રહી હતી અને કુસ્તીની દુનિયાને ભારે નુકસાન થયું છે.
આ પણ વાંચો: ભારતના રેસલિંગ ફેડરેશન પરનું સસ્પેન્શન કઈ શરત સાથે પાછું ખેંચાયું?
તેમણે પ્રમુખ સંજય સિંહ અને અન્ય અધિકારીઓને ખેલાડીઓના હિતમાં ન્યાયી નિર્ણયો લેવા અને કોઈપણ પ્રકારના ભેદભાવને ટાળવા વિનંતી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હવે પારદર્શક ટ્રાયલ થવી જોઈએ અને ખેલાડીઓને સમાન તક મળવી જોઈએ. સરકાર સાથે મળીને તાલીમ શિબિરો અને ટુર્નામેન્ટના આયોજનને વેગ આપવો જોઈએ.
બ્રિજ ભૂષણે કહ્યું હતું કે, “કરણ ભૂષણ સિંહ હોય કે બ્રિજ ભૂષણ શરણ સિંહ કુસ્તી સંઘમાં ઉત્તર પ્રદેશનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહ્યું છે. હવે હું ફેડરેશન ઓફિસ સાથે સંકળાયેલ નથી, પરંતુ રમત અને ખેલાડીઓ માટે મારું સમર્થન હંમેશા રહેશે. તેમણે કહ્યું હતું કે, “હોળી પહેલા કુસ્તી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે આ ભેટ છે. રમતગમતમાં આવી ઘણી પરિસ્થિતિઓ હતી પરંતુ હવે ન્યાય થયો છે.