Western Railway to Start Superfast Weekly Express

પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બનારસ વચ્ચે સુપરફાસ્ટ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે

ગુજરાતના રેલ મુસાફરો અને ખાસ કરીને મહાદેવના ભક્તો માટે પશ્ચિમ રેલવે મહત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશનો વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ દાદાના દર્શન બાદ ઉત્તર પ્રદેશના બનારસ(વારાણસી)માં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન માટે જવું સરળ બની જશે.

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા મુજબ મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે આ નવી ટ્રેન શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11મી સપ્ટેમ્બર સોમવાર દિવસથી આ ટ્રેનનું શુભારંભ થવા જઈ રહ્યું છે.


પશ્ચિમ રેલ્વેના જણાવ્યા ટ્રેન નંબર 02945 વેરાવળ-બનારસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 11 સપ્ટેમ્બર, 2023 સોમવારના રોજ વેરાવળથી 4:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:35 કલાકે બનારસ પહોંચશે. ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ બનારસથી દર બુધવારે 7:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:45 કલાકે વેરાવળ પહોંચશે.


બંને દિશામાં આ ટ્રેન જૂનાગઢ, જેતલસર, વડિયા દેવળી, કુંકાવાવ, ચિતલ, ખીજડિયા, લાઠી, ધોળા જં., બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, શામગઢ, કોટા, ગંગાપુર સિટી, આગ્રા ફોર્ટ, ઇટાવા, ગોવિંદપુરી અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે.


ઉપરોક્ત ટ્રેનોમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2-ટિયર, એસી 3- ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ઉદઘાટન સેવા તરીકે ટ્રેન નંબર 02945 માટે બુકિંગ આજે 10 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે, જ્યારે ટ્રેન નં. 12945 માટે નિયમિત સેવા તરીકે બુકિંગ 13 સપ્ટેમ્બર, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી રેલાવેની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Back to top button