કોલકાતા: કોલકાતાની(Kolkata)આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસ હવે રાજકીય મુદ્દો બની રહ્યો છે. આ ઘટનાની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. આ ઘટના બાદ મમતા સરકાર સામે સતત સવાલો ઉઠી રહ્યા છે. જો કે બુધવારે ભાજપે આપેલા બંધ એલાન બાદ સીએમ મમતા બેનર્જીએ પણ ભાજપ પર પ્રહાર કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે જાણી જોઈને બંધનું એલાન આપ્યું છે. ભાજપ પશ્ચિમ બંગાળને સળગાવવા માંગે છે.
બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવો જોઈએ
મમતા બેનર્જીએ માંગ કરી કે દેશમાં બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવો જોઈએ. આ અંગે રવિવારે મહિલાઓ ધરણા કરે. તેમણે કહ્યું કે તેમની સરકાર વિધાનસભામાં એવો કાયદો લાવશે જે બળાત્કારના કેસમાં 10 દિવસમાં ન્યાય આપશે. મમતાએ કહ્યું કે જો બિલ રાજભવનમાંથી પસાર નહીં થાય તો ત્યાં પણ ધરણા કરવામાં આવશે.
ટીએમસી ભાજપને જવાબ આપશે
ટીએમસી સાંસદ સયાની ઘોષે કહ્યું કે જો ભાજપ બંધનું એલાન આપે છે. તો હવે ટીએમસીએ પણ નિર્ણય લીધો છે કે તે પણ રસ્તા પર ઉતરીને જવાબ આપશે.
ભાજપના એક કાર્યકરને ઇજા પહોંચી હતી
ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાંની માંગ સાથે નબન્ના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદર્શનકારી પર પોલીસે વોટર કેનનથી મારો ચલાવીને લાઠીચાર્જ કર્યો હતો. જેના વિરોધમાં ભાજપે બુધવારે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું. જે હિંસક બન્યું હતું. જેમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અનેક જગ્યાઓએ ઘર્ષણ પણ થયું હતું. તેમજ ફાયરિંગ પણ થયું હતું જેમાં ભાજપના એક કાર્યકરને ઇજા પહોંચી હતી.