
કોલકાતા: આવતીકાલે 6 એપ્રિલના રોજ રામનવમી છે અને પશ્ચિમ બંગાળ હાઈકોર્ટે હિન્દુ સંગઠનને રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની શરતી મંજૂરી આપી છે. જેને પગલે પશ્ચિમ બંગાળ સરકાર એલર્ટ મોડ પર છે અને રાજ્યની સુરક્ષા એજન્સીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
હાઇ કોર્ટે આપી મંજૂરી
પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ બંગાળ હાઇકોર્ટે હિંદુ સંગઠનોને રામનવમી પર શોભાયાત્રા કાઢવા માટેની શરતી મંજૂરી આપી છે. આથી રાજ્ય સરકારે રામ નવમી માટે સુરક્ષા કડક બનાવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં 29 IPS અધિકારીઓને તૈનાત કર્યા છે. તેમજ કોલકાતામાં પાંચ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. રામ નવમીની શોભાયાત્રાઓના ફોટોગ્રાફ્સ લેવા અને વીડિયો બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, રામ નવમીના બહાને અશાંતિ ફેલાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની ગુપ્ત બાતમીના આધારે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેમાં કોલકાતા, મુર્શિદાબાદ, હાવડા, પશ્ચિમ મેદનીપુર, ઉત્તર-દક્ષિણ 24 પરગણા, અલીપુરદુરવાર, કૂચબિહાર વગેરેમાં વધારાના પોલીસ દળ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
2 હજાર શોભાયાત્રાની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ રામ નવમી પર બંગાળમાં લગભગ 2,000 જેટલી શોભાયાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં એક કરોડથી વધુ હિન્દુઓ જોડાઈ તેવી શક્યતા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શોભાયાત્રાઓ કાઢવા માટે વહીવટીતંત્ર પાસેથી કોઇ મંજૂરી ન લેવી. તેનું કારણ ધરતા તેમણે કહ્યું હતું કે ભગવાન રામની પ્રાર્થના કરવા માટે અમને પરવાનગીની જરૂર નથી.
શોભાયાત્રા પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ
આથી રામ નવમી પર રાજ્યમાં બે હજાર રેલીઓનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ડ્રોન દ્વારા શોભાયાત્રાનું નિરીક્ષણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા 2 વર્ષમાં બંગાળમાં રામ નવમીના શોભાયાત્રાઓમાં હિંસાની ઘટનાઓ બની છે. 2023માં, હુગલી અને હાવડામાં સરઘસો દરમિયાન પથ્થરમારાની ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા.
આપણ વાંચો: ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, વિદ્યાર્થીઓએ કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા..