નેશનલ

શું પશ્ચિમ બંગાળમાં લદાશે રાષ્ટ્રપતિ શાસન ? રાજ્યપાલે કેન્દ્ર સરકારને સોંપ્યો મુર્શિદાબાદ હિંસાનો અહેવાલ…

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે વક્ફ સુધારા કાયદાના વિરોધ દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. તેમણે 18- 19 એપ્રિલ 2025ના રોજ રમખાણગ્રસ્ત માલદા અને મુર્શિદાબાદની મુલાકાત લીધી. તેમણે અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે કટ્ટરવાદ અને ઉગ્રવાદની બેવડી સમસ્યા રાજ્ય માટે એક ગંભીર પડકાર બની ગઈ છે. બંગાળમાં વહીવટી વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉભા થયા છે અને તે પડી ભાંગી છે. લક્ષિત સાંપ્રદાયિક હુમલાઓના કેસોમાં વધારો થયો છે. રાજ્યપાલે વકફ સુધારા કાયદા પછી મુર્શિદાબાદમાં પૂર્વ-આયોજિત હિંસા અને પૂર્વ ચેતવણીઓ છતાં પોલીસની નિષ્ક્રિયતાનો પણ ઉલ્લેખ કર્યો.

બંધારણની કલમ 356 હેઠળની જોગવાઈઓ પણ એક વિકલ્પ રહેશે
તેમણે સંવેદનશીલ સરહદી જિલ્લાઓમાં રાજકીય લાભ માટે કટ્ટરપંથીકરણ અને ધાર્મિક ઓળખના દુરુપયોગ અંગે ચેતવણી આપી. બોઝે તેમના અહેવાલમાં અનેક પગલાં સૂચવ્યા છે. જેમાં તપાસ પંચની રચના અને બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં કેન્દ્રીય દળની ચોકીઓ સ્થાપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે લખ્યું એ કહેવાની જરૂર નથી કે બંધારણની કલમ 356 હેઠળની જોગવાઈઓ પણ એક વિકલ્પ રહેશે.

હિંસા રાજ્યના અન્ય જિલ્લાઓ પર અસર કરી શકે છે
આ રિપોર્ટમાં બંધારણની કલમ 356 હેઠળ જોગવાઈઓ ના ઉલ્લેખ વિશે પૂછવામાં આવતા એક અધિકારીએ કહ્યું, રાજ્યપાલે કલમ 356 ના અમલીકરણનો પ્રસ્તાવ મૂક્યો નથી. તેમનો મતલબ એ હતો કે જો રાજ્યમાં પરિસ્થિતિ વધુ વણસે છે. તો કેન્દ્ર બંધારણની કલમ 356 ની જોગવાઈઓ પર વિચાર કરી શકે છે. બંધારણની કલમ 356ના અમલીકરણનો અર્થ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો છે. રાજ્યપાલે આશંકા વ્યક્ત કરી કે મુર્શિદાબાદ હિંસા રાજ્યના અન્ય જિલ્લાઓ પર અસર કરી શકે છે અને ભલામણ કરી હતી કે કેન્દ્ર સરકારે લોકોમાં કાયદાના શાસનમાં વિશ્વાસ જગાડવા ઉપરાંત વર્તમાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બંધારણીય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.

આપણ વાંચો : મુર્શિદાબાદ હિંસાઃ અમિત માલવિયાએ પ. બંગાળના સીએમના રાજીનામાની માંગ કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button