પશ્ચિમ બંગાળના રાજ્યપાલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ઈમેલમાં મોબાઈલ નંબર પણ આપ્યો!

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને એક ઈમેલ દ્વારા જીવથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. રાજભવનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સે ઈમેલમાં રાજ્યપાલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે મોકલનાર આરોપીએ ઈમેલમાં પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. આ ગંભીર મામલે રાજ્યના ડીજીપીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ આ ઘટના અંગે વિગતવાર જાણકારી આપી દેવામાં આવી હતી.
રાજ્યપાલને મળેલી આ ધમકી બાદ તેમની સુરક્ષામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. સીવી આનંદ બોઝને પહેલેથી જ ઝેડ-પ્લસ સુરક્ષા મળી રહી છે, પરંતુ હવે તેમની સુરક્ષા માટે વધારાના કેન્દ્રીય પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. હાલમાં લગભગ 60 થી 70 સીઆરપીએફ (CRPF) અને રાજ્ય પોલીસના જવાનો સંયુક્ત રીતે તેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ ઈમેલના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ ચલાવી રહી છે જેથી ધમકી પાછળના ઈરાદા અને વ્યક્તિની ઓળખ થઈ શકે.

બીજી તરફ, આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે, જ્યાં રાજ્યના રાજ્યપાલ પણ સુરક્ષિત નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન પોતાની ખાનગી ફાઈલો અને તપાસ એજન્સીઓ સામે લડવામાં વ્યસ્ત છે જ્યારે રાજ્યની સુરક્ષા જોખમમાં છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મુદ્દે શરૂ થયેલા વાકયુદ્ધે રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.
આ પણ વાંચો…પશ્ચિમ બંગાળમાં અરાજકતાઃ બંગાળના રાજ્યપાલે મમતા સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું



