જ્યારે હાથીઓએ કરી દીધો રસ્તા પર ચક્કાજામ…
શહેરીકરણ અને આધુનિકીકરણને કારણે જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે અને એની જગ્યાએ કોંક્રિટની ઈમારતોએ પોતાનો વિસ્તાર વધારી દીધો છે. હવે ઠેર ઠેર જંગલોની જગ્યાએ ઊંચી ઊંચી ઈમારતોનું જંગલ નજરે પડી રહ્યું છે.
આપણને ઘણી વખત સિંહ, વાઘ, રાયનોસોરસ અને હાથીઓ નેશનલ હાઈવે પર ઉતરી આવે છે અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર વીડિયો પણ આપણે જોતા જ હોઈએ છીએ.
પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ અને અચાનક તમારી આંખની સામે ડઝનેક હાથીઓ રસ્તા પર ઉતરી આવ્યા હોય અને ટ્રાફિક જામ કરાવી દીધો હોય? નહીં ને? પણ આજે આપણે અહીં આવા જ એક વીડિયો વિશે વાત કરવાના છીએ. આ વાઈરલ વીડિયો પશ્ચિમ બંગાળના નેશનલ હાઈવેનો હોવાનું કહેવાય છે. જ્યારે એલિફન્ટ કોરિડોરમાંથી પસાર થઈ રહેલાં હાઈવે પર એક-બે નહીં પણ પૂરેપૂરો હાથીઓનું ઝૂંડ ઉતરી આવ્યું અને ટ્રાફિક વ્યવસ્થાની બેન્ડ વગાડી દીધી હતી.
વીડિયોમાં પશ્ચિમ બંગાળના નારગાકાટાના હાઈવે પર હાથીઓના આ ઝૂંડને રસ્તો પાર કરતા જોવા મળ્યા હતા. ક્લિપની શરૂઆતમાં જ ડઝનેક હાથીઓ રસ્તો ક્રોસ કરી રહ્યા છે ત્યાંથી થાય છે. આને કારણે બંને તરફનો ટ્રાફિક થોડાક સમય માટે થંભી ગયો હતો અને આવા જ કોઈ ટ્રાફિકમાં ફસાયેલા કાર ડ્રાઈવરે વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
આ બાબતે વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે હાથીઓ એલિફન્ટ કોરિડોરમાંથી પસાર થઈ રહ્યા હતા અને વનવિભાગ દ્વારા હાથીઓના આ ઝૂંડ પર વોચ રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલી જનાવરો ઘણી વખત પાણી અને ખાવાની શોધમાં શહેરોમાં આવી જાય છે અને પછી ખોવાઈ જાય છે. સ્થાનિક અધિકારીઓ માટે હાથીઓ અને રહેવાસી એમ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જરૂરી બની ગયું છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં પચીડર્મમાં એક મદનિયાના મૃત્યુ બાદ પશ્ચિમ બંગાળના ઝારગ્રામ ખાતે એક હાથીએ બે વૃદ્ધોને મારી નાખ્યા હતા. આ હાથીએ નયાગ્રામમાં ચંદબિલ ફોરેસ્ટ રેન્જમાં આવેલા પ્રખ્યાત રામેશ્વર મંદિર પાસે અનેક ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું અને એની સાથે સાથે એક બસ અને એક મોટરસાઈકલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ હાથીએ મદનિયાના મૃતદેહને જોવા આવેલા લોકોના ટોળા પર હુમલો કરી દીધો હતો અને બે જણને જમીન પર પટકી દીધા હતા, જેને કારણે એમનું મૃત્યુ થઈ ગયું હતું.