West Bengalમાં ઇડીની ટીમ પર સેંકડો લોકોનો હુમલો
કોલકાતાઃ પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના રાજમાં કાયદો અને વ્યવસ્થા તો નામ માત્રની રહી ગઇ છે. મળતા સમાચાર મુજબ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે દરોડા પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે EDની ટીમ દરોડા પાડવા માટે આવી ત્યારે સેંકડો ગ્રામવાસીઓએ ટીમને ઘેરી લીધી હતી અને તેમના વાહનોની તોડફોડ કરી હતી.
રાશન કૌભાંડ મામલામાં EDની ટીમ પ. બંગાળમાં સતત દરોડા પાડી રહી છે. આ ક્રમમાં આજે ઇડીની ટીમ ઉત્તર 24 પરગણામાં ટીએમસી નેતા શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા પાડવા પહોંચી હતી. ટીમ ત્યાં પહોંચી અને શાહજહાંના ઘરના તાળા તોડી રહી હતી, પરંતુ ગ્રામજનોના ટોળા દ્વારા EDની ટીમને ઘેરી લેવામાં આવી હતી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ ED અધિકારીઓ તેમજ કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનોની પણ તોડફોડ કરી હતી.
ઇડીની ટીમ પર આ પ્રકારના હુમલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પશ્ચિમ બંગાળમાં કાયદાનું શાસન રહ્યું નથી. તોફાનીઓનું મનોબળ ઉંચુ છે. સરકારી એજન્સી પર હુમલો કરતા પહેલા તોફાની તત્વોએ બે વાર વિચાર્યું પણ ન હતું. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. TMC નેતા શાહજહાં શેખ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં જે પણ સામેલ હશે તેને સજા કરવામાં આવશે.