પશ્ચિમ બંગાળની કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ: 7 મજૂરોના મોત-Video Viral

કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં 7 કામદારોના મોત થયા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કામગીરી આદરી દીધી છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે, જેના કારણે રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેઓ વિસ્ફોટ પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. ખાણમાં કામ કરી રહેલા કામદારોના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે બીરભૂમની વાદૂલિયા કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં સાત મજૂરોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે અન્ય ઘણા મજૂરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત તમામ મજૂરોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના બીરભૂમ જિલ્લાના વાદૂલિયા ગામમાં બની હતી. સોમવારે વાદૂલિયામાં ગંગારામચક માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ કોલિયરી (GMPL)માં કોલસાના ક્રશિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કામદારોના મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. પ્રાથમિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે કોલસાની ખાણમાં વિસ્ફોટ બેદરકારીના કારણે થયો હતો, માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો : BREAKING: પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા Sitaram Yechuryનું નિધન, રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો શોક
ખોઇરાશોલની આ ખાણ પીડીસીએલ દ્વારા લીઝ પર લેવામાં આવી છે અને તે રાજ્ય સરકાર હેઠળની ખાણ છે. કોલસો કાઢવા માટે વિસ્ફોટ દરમિયાન અંદર કોઈ હતું કે કેમ તેની તપાસ કેમ ન કરાઈ? આ ઘટના માટે જવાબદાર કોણ? આ સવાલો ઉઠી રહ્યા છે. જો કે માઈનીંગ ઓથોરિટીના અધિકારીઓએ હાથ ખંખેરીની આ ક્ષેત્ર છોડી દેતા આ સ્થિતિ વધુ શંકાસ્પદ બની છે. પરંતુ શું આ બ્લાસ્ટ પાછળ કોઈ કાવતરું છે? પોલીસે તપાસ શરૂ કરી છે.