લગ્નમાં રસગુલ્લાએ કરાવી રામાયણ, છ જણ ઈજાગ્રસ્ત…
આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક લગ્નમાં રસગુલ્લા ખતમ થઈ જતાં રામાયણ સર્જાઈ હતી. આ રામાયણ એટલી બધી આગળ વધી ગઈ અને મારપીટ સુધી પહોંચી ગઈ. આ મારમીટમાં અત્યાર સુધી છ જણને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો તે આગ્રાના ફતેહાબાદ તહેસીલમાં આવેલા શમસાબાદની છે. શમસાબાદ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બ્રિજભવન કુશવાહ નામના શખ્સના ઘરે લગ્ન હતા અને આ જ દરમિયાન લગ્નમાં હાજરી આપી રહેલાં મહેમાને રસગુલ્લાની અછતને લઈને ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે વાત વણસવા લાગ હતી.
વાત વણસતી વણસતી એટલી બધી વણસી ગઈ કે મારપીટ શરૂ થઈ ગઈ અને આ મારપીટમાં છ જણને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં ભગવાન દેવી, યોગેશ, મનોજ, કૈલાશ, ધર્મેન્દ્ર અને પવનનો સમાવેશ થાય છે. અમે લોકોએ આ બાબતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં જ એત્માદપુરમાં યોજાયેલા એક લગ્નમાં મિઠાઈ ખૂટી પડતાં વિવાદ થયો હતો અને આ વિવાદમાં એક જણનું મૃત્યુ પણ થયું હતું.
આ અગાઉ 2014માં પણ કાનપુરના દેહાતના કુરમાપુર ગામમાં આવી જ ઘટના જોવા મળી હતી. ઉન્નાવથી આવેલી જાનમાં આવેલા વરરાજાના માસિયાઈ ભાઈ મનોજે બે રસગુલ્લા પ્લેટમાં સર્વ કરવાનું જણાવ્યું હતું. પરંતુ કન્યાપક્ષની કોઈ વ્યક્તિએ તેને એક જ રસગુલ્લો જણાવ્યું હતું અને બસ આ મુદ્દે વિવાદ થયો હતો આ વિવાદ માત્ર શાબ્દિક ના રહેતાં હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો.