
અમદાવાદઃ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સુકું રહશે.અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી રહેવાઅને ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાનની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી જૂનાગઢના કેશોદમાં નોંધાઈ હતી. અહીં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ લઘુત્તમ તાપમાન ઓખામાં 22 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવતા દિવસોમાં પવન બદલાશે અને સાથે જ ઠંડીનો પારો વધુ ગગડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડી પડશે. આ ઠંડી રવિ પાક માટે ઠડી સારી રહેશે.
ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 23, 27 અને 28 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર ઉપરાંત લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. બીજી તરફ, 23 અને 28 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે. આ ઉપરાંત, 27 અને 28 ડિસેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
આગામી બે દિવસ સુધી મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. અહીં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે-ધીમે ઘટાડો થશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં.
રાજસ્થાનનું હવામાન કેવું રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ઉત્તરીય પવનોના પ્રભાવને કારણે 24 ડિસેમ્બરથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવી શકે છે. સાથે જ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 23 અને 24 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
ઝારખંડમાં કડકડતી ઠંડી
ઝારખંડમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે અને આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર રાંચીના જણાવ્યા અનુસાર, 25 ડિસેમ્બર સુધી રાજધાનીનું લઘુત્તમ તાપમાન 7 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 22 થી 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.
બિહારમાં ઠંડી રહેશે યથાવત
બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરવા મજબૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોને કારણે ઠંડી અને ધ્રુજારીની અસર હજુ થોડા દિવસો સુધી રહી શકે છે. આગામી 48 કલાક સુધી તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે.
યુપીમાં કોલ્ડ ડે એલર્ટ
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ અને ‘એક્સટ્રીમ કોલ્ડ ડે’ (અતિશય ઠંડો દિવસ) એલર્ટ આપવામાં આવ્યું છે. આ કારણે વિઝિબિલિટી 50 મીટર સુધી રહી શકે છે. પ્રયાગરાજ, કાનપુર, લખનઉ, વારાણસી, સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, સંત રવિદાસ નગર, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, સુલતાનપુર અને આંબેડકર નગરમાં આજે કડકડતી ઠંડી પડશે. આ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ અને અતિશય ઠંડીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…સૂસવાટાભેર પવનથી ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો: ગાઢ ધુમ્મસના કારણે 14 રાજ્યમાં એલર્ટ
દિલ્હીનું હવામાન
દિલ્હી NCRમાં મંગળવારથી હવામાન ચોખ્ખું થવા જઈ રહ્યું છે. આ દરમિયાન હળવો તડકો નીકળી શકે છે. આ ઉપરાંત 10 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, 23 થી 26 ડિસેમ્બર સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ઘટાડો નહીં થાય, પરંતુ 27-28 ડિસેમ્બરે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન છે.



