Weather Update : હિમવર્ષા અને કમોસમી વરસાદથી અનેક રાજ્યોમાં શીત લહેરની આગાહી

નવી દિલ્હી : દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાને લીધે વાતાવરણ(Weather Update) બદલાયું છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં કમોસમી વરસાદ અને હિમવર્ષાના લીધે અનેક ભાગોમાં શીત લહેરની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2025 સુધી તીવ્ર શીત લહેરની આગાહી કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ઠંડી અને હિમવર્ષા
જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ઠંડી અને હિમવર્ષા ચાલુ છે. શુક્રવારથી સમગ્ર કાશ્મીરમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ રહી છે. હવાઈ, રેલ અને માર્ગ વાહનવ્યવહારને અસર થઈ હતી અને વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે ઉત્તરાખંડમાં હિમવર્ષા અને તૂટક તૂટક વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો.
હિમવર્ષાને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ
હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે પાટા પર ભારે બરફ જમા થવાને કારણે બનિહાલ-બારામુલ્લા માર્ગ પર ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.પુલવામા, અનંતનાથ ડોડા અને બારામુલ્લામાં, રસ્તાઓથી લઈને મેદાનો સુધી અને વૃક્ષો અને છોડથી લઈને ઘરો અને દુકાનો સુધી બધે બરફ દેખાય છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં શિમલામાં આ પ્રકારની હિમવર્ષા જોવા મળતી નથી. હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં 29 ડિસેમ્બરે પણ એક કે બે જગ્યાએ હળવો વરસાદ અને મધ્યમ હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. રવિવારે પૂર્વોત્તર-ચંબા, કાંગડા, કુલ્લુ, મંડીના ઉત્તરીય ભાગો, લાહૌલ-સ્પીતિ, કિન્નૌર અને સિરમૌર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
Also read: Weather Update: દિલ્હી, પંજાબ અને હરિયાણામાં માવઠું, હિમાચલ-લદ્દાખમાં ભારે હિમવર્ષા
30 ડિસેમ્બરની સવારથી રાજ્યના નીચલા પહાડી/સપાટ વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને ભૂસ્ખલનનો નવો તબક્કો શરૂ થઈ શકે છે. શિમલા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે મધ્યરાત્રિ સુધી હળવો વરસાદ ચાલુ રહેશે.
ઉત્તરાખંડમાં ઠંડી વધી ગઈ
ઉત્તરાખંડમાં શનિવારે પહાડો પર હિમવર્ષા થઈ હતી અને નીચી ઉંચાઈવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો, જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડી વધી ગઈ હતી. ચમોલી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, દહેરાદૂન, પૌરી, પિથોરાગઢ અને નૈનીતાલ સહિતના પહાડી જિલ્લાઓમાં 2,500 મીટર અને તેનાથી વધુની ઉંચાઈએ કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાની પણ શક્યતા
ઉત્તર પ્રદેશમાં 29 ડિસેમ્બર સુધીમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે, કારણ કે અહીં વરસાદ બંધ થઈ ગયો છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ વાવાઝોડાની પણ શક્યતા છે. આવતીકાલે એટલે કે રવિવારથી રાજ્યમાં હવામાન સૂકું થઈ જશે.