
અમદાવાદ/નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસો માટે જાહેર કરાયેલી આગાહી મુજબ, દક્ષિણ ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે છૂટોછવાયો ભારે વરસાદ થવાની સંભાવના છે. 20મીથી 25મી નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં, 21મીથી 24મી દરમિયાન કેરળ અને માહેમાં, જ્યારે 25મી નવેમ્બરે કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 20મીથી 23મી નવેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે, જેમાં 21મી નવેમ્બરે છૂટોછવાયો અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ રાજ્યોમાં 20મીથી 23મી નવેમ્બર દરમિયાન વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની પણ શક્યતા છે.
ઠંડીની સ્થિતિ અને તાપમાનમાં ફેરફાર
હવામાન વિભાગની આગાહી અનુસાર, દેશના મધ્ય ભાગમાં આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-4°C નો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે, ત્યારબાદ તેમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની આગાહી કારવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ અને તેલંગાણામાં પણ 20મી નવેમ્બરના રોજ કોલ્ડ વેવ અનુભવાશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની આગાહી છે, જે સૂચવે છે કે ઠંડીનું જોર થોડું ઘટશે.
ગુજરાતમા તાપમાનમાં વધારો
ગુજરાત રાજ્યના હવામાનની વાત કરીએ તો, આગામી દિવસોમાં રાહત મળવાના સંકેતો છે. 20મી નવેમ્બરથી 26મી નવેમ્બર દરમિયાન ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની પ્રબળ સંભાવના છે. લઘુત્તમ તાપમાનની આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2-3°C નો ક્રમશઃ વધારો થશે, ત્યારબાદ તેમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આનાથી રાજ્યમાં હાલમાં અનુભવાઈ રહેલા ઠંડીના ચમકારામાં સામાન્ય ઘટાડો થશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 14.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છના નલિયા અને અમેરલીમાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર અને કંડલા એરપોર્ટ પર 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં ફરી વળ્યું ઠંડીનું મોજું, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન…



