ટોપ ન્યૂઝનેશનલ

દેશમા ભરઉનાળે હવામાન પલટાશે, નવ રાજ્યમા કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ, હીટવેવની પણ આગાહી

નવી દિલ્હી : દેશમા ઉનાળા દરમિયાન અનેક રાજયમા હવામાનમા ફેરફાર થયો છે. જેમા ગુરુવારે સાંજે દિલ્હી- એનસીઆરમા હળવો કમોસમી વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે કમોસમી વરસાદ પડ્યો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં હીટવેવની આગાહી કરવામા આવી છે.

નવ રાજ્યો માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ​​કુલ નવ રાજ્યો માટે કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રાજ્યોમાં કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, સિક્કિમ, પૂર્વ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

ભારે પવન સાથે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ધૂળની આંધી આવવાની શક્યતા છે. ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં કમોસમી વરસાદની ચેતવણી આપવામા આવી છે. આજે એટલે કે શુક્રવારે ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવા સાથે કમોસમી વરસાદની શક્યતા છે.

બિહારમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે 11 એપ્રિલે બિહારમાં ભારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 13 એપ્રિલે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ કરા પણ પડી શકે છે. જ્યારે આજે પંજાબમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટકમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

આપણ વાંચો:  ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના પાર્ટીના રોડમેપ અંગે નેતાઓમા અસમંજસની સ્થિતિ, જાણો વિગત

ગુજરાત અને મધ્યપ્રદેશમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં હીટવેવની આગાહી છે. 14 થી 16 એપ્રિલ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને 16 એપ્રિલે પૂર્વ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, પૂર્વ ભારતના કેટલાક ભાગો અને ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. દેશના બાકીના ભાગોમાં તે સામાન્યની નજીક અથવા સામાન્યથી નીચે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button