દેશને ૨૦૨૭ સુધીમાં કઠોળ ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવીશું: અમિત શાહ
નવી દિલ્હી: સહકારી વિભાગના પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે દેશને ૨૦૨૭ સુધીમાં કઠોળ(ના ઉત્પાદન)માં સ્વાવલંબી બનાવવાનું લક્ષ્ય છે.
તેમણે ખેડૂતો નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (‘નાફેડ’) અને નેશનલ કોઓપરેટિવ ક્ધઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (‘એનસીસીએફ’)ને લઘુતમ ટેકાના ભાવે કે બજાર ભાવે તુવેર દાળ વેચી શકે તે માટે પૉર્ટલ શરૂ કરાવ્યું હતું. ખેડૂતોએ તેના માટે પોતાના નામની નોંધણી પૉર્ટલ પર કરાવવી જરૂરી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે અડદ, મસૂર અને મકાઇના ખેડૂતો પણ ‘નાફેડ’ અને ‘એનસીસીએફ’ને લઘુતમ ટેકાના ભાવે કે બજાર ભાવે તુવેર દાળ વેચી શકે તે માટે પૉર્ટલ શરૂ કરાશે.
તેમણે ‘નાફેડ’ અને ‘એનસીસીએફ’માં નોંધાયેલા તુવેરની દાળના ઉત્પાદક પચીસ લાખ ખેડૂતોને અંદાજે રૂપિયા ૬૮ લાખના સીધા લાભની રકમ ટ્રાન્સફર કરી હતી. આ પૉર્ટલ બહુભાષી છે.
અનાજ અને કઠોળનો અનામત જથ્થો જાળવવામાં સરકારને સહાય કરવા માટે કેન્દ્ર સરકારી બે એજન્સી – નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (‘નાફેડ’) અને નેશનલ કોઓપરેટિવ ક્ધઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (‘એનસીસીએફ’) સરકાર વતી લઘુતમ ટેકાના ભાવે કે બજાર ભાવે ખરીદી કરે છે. કઠોળના ભાવ જ્યારે લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચે જાય ત્યારે આ એજન્સીઓ કઠોળની ‘ભાવ ટેકા યોજના’ (પ્રાઇસ સપોર્ટ સ્કીમ) હેઠળ ખરીદી કરે છે.
સહકારી વિભાગના પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની ગેરંટી હેઠળ તુવેરની દાળની ખરીદી કરાઇ રહી છે. (એજન્સી)