કાશ્મીરને ત્રાસવાદથી મુક્ત બનાવીશું: અમિત શાહ
જમ્મુ કાશ્મીર અંગેના બે ખરડા લોકસભામાં પસાર
નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીરને ૨૦૨૬ સુધીમાં ત્રાસવાદથી મુક્ત બનાવવાની બુધવારે બાંયધરી આપી હતી અને કાશ્મીરની હાલની સમસ્યા માટે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલની બે ભૂલને જવાબદાર ગણાવી હતી. તેમણે કાશ્મીર અંગેના બે ખરડા લોકસભામાં રજૂ કર્યાં હતા. જે બે દિવસની ચર્ચા પછી બુધવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યા હતા.
અમિત શાહ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર અંગેના જમ્મુ અને કાશ્મીર અનામત (સુધારો) ખરડો અને જમ્મુ અને કાશ્મીર પુન:રચના (સુધારો) ખરડા પર જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું કે “પાક કબજા હેઠળના કાશ્મીરની સમસ્યા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની બે ભૂલને કારણે ઊભી થઈ હતી. નહેરુએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી અને યુનાઈટેડ નેશન્સમાં કાશ્મીરનો મુદ્દો લઈ ગયા હતા. જવાહરલાલ નહેરુએ યોગ્ય પગલાં ભર્યા હોત તો પાક કબજા હેઠળનું કાશ્મીર હાલમાં ભારતનો હિસ્સો હોત તેવું અમિત શાહે કહ્યું હતું.નહેરુની આ ઐતિહાસિક ભૂલ હતી તેવું અમિત શાહે કહ્યું હતું. આ બંને ખરડા પસાર થવાથી જેમણે ત્રાસવાદને
પગલે કાશ્મીર છોડવું પડ્યું હતું તેમને પ્રતિનિધિત્વ મળશે તેવું તેમણે કહ્યું હતું.
છેલ્લા ૭૦ વર્ષથી જેઓ પોતાના હક્કોથી વંચિત રહ્યા છે તેમને ન્યાય મળશે. પાક કબજા હેઠળના કાશ્મીરને જેમણે છોડવું પડ્યું હતું તેમને માટે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં એક બેઠક અનામત રાખવામાં આવશે. વૉટબૅન્ક રાજકારણનો વિચાર કર્યા વગર જો શરૂઆતથી જ ત્રાસવાદ પર નિયંત્રણ મેળવવા પગલાં ભરવામાં આવ્યા હોત તો કાશ્મીરી પંડિતોને ખીણ છોડવાનો વખત ન આવતે તેવું અમિત શાહે કહ્યું હતું. ત્રાસવાદને પગલે જમ્મુ અને કાશ્મીરમાં ૪૫,૦૦૦ લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદના માળખાને છિન્નભિન્ન કરવા પર અમારું ધ્યાન કેન્દ્રિત છે. વર્ષ ૨૦૨૪માં મોદી સરકાર ફરી સત્તા મેળવશે તેવું હું માનું છું.
આ અંગેની યોજના ત્રણ વર્ષ સુધી અમલમાં રહેશે અને વર્ષ ૨૦૨૬માં સફળ થશે અને તે પછી ૨૦૨૬ સુધીમાં ત્રાસવાદની એક પણ ઘટના ન બને તેવી આશા હું રાખું છું, તેવું તેમણે કહ્યું હતું.