નેશનલ

શત્રુઓને દરિયાના પેટાળમાંથી પણ શોધીને મારીશું: રાજનાથ

નૌકાદળની વિનાશિકા મુંબઈમાં તરતી મુકાઈ

વિનાશિકા: મુંબઈમાં મંગળવારે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઈમ્ફાલનો ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવ્યો તે દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમાર, વૅસ્ટર્ન નૅવલ કમાન્ડ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ ઍડમિરલ કે. ત્રિપાઠી અને અન્યો સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ. (એજન્સી)

મુંબઈ: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે બે મર્ચંટ નેવી શિપ્સ પર થયેલા હુમલાની ભારત સરકારે ગંભીર નોંધ લીધી છે અને હુમલાખોર શત્રુઓને દરિયાના પેટાળમાંથી પણ શોધી કાઢીને તેઓને મારીશું.

રાજનાથે મુંબઈમાં સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (વિનાશિકા) આઈએનએસ ઈમ્ફાલ તરતું મૂક્યું હતું. મર્ચંટ નેવી શિપ એમવી પ્લૂટો અને એમવી સાંઈબાબા પર તાજેતરમાં કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ દરિયાઈ સુરક્ષા સઘન કરવામાં આવી હતી. આ હુમલાને ભારત સરકારે ગંભીરતાથી લીધો હતો.

૨૧ ક્રૂ મેમ્બર સહિતની મર્ચંટ નેવી શિપ એમવી પ્લૂટો શનિવારે પોરબંદરથી ૨૧૭ દરિયાઈ માઈલના અંતરે હતું ત્યારે તેનાં પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે આ બંને જહાજને વધારાની સુરક્ષા પૂરી પાડવાની ગોઠવણ કરી હતી. પચીસ ક્રૂ મૅમ્બર સહિતનું કમર્શિયલ ક્રૂડ ઑઈલ ટેન્કર પર પણ દક્ષિણ રાતા સમુદ્રમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જોેકે આ જહાજ પર ભારતીય ધ્વજ નહોતો.

દરમિયાન નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમારે કહ્યું હતું કે મર્ચંટ શિપ પર ડ્રોન હુમલા રોકવા અને ચાચિયાઓનો સામનો કરવા ચાર વિનાશિકા ગોઠવી દેવામાં આવી છે.
ચાંચિયાઓ અને ડ્રોન હુમલાનો સામનો કરવા પી-૮એલ ઍરક્રાફ્ટ, ડાર્નિયર્સ, સિ ગાર્ડિયન્સ, હૅલિકૉપ્ટર્સ અને કોસ્ટલ ગાર્ડ શિપ્સ સહિતની સુરક્ષા ગોઠવી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલને ફાયર કરવાની ક્ષમતા ધરાવતા સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈમ્ફાલને મંગળવારે મુંબઈમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સિંહ ઉપરાંત, નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાજરી આપી હતી.

નૌકાદળની આંતરિક સંસ્થા યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો, અને મઝાગોન ડોક લિમિટેડ, મુંબઈ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ ‘વિશાખાપટ્ટનમ’ વર્ગની ચાર વિનાશીકામાંથી આ ત્રીજીને નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી.

આઈએનએસ ઈમ્ફાલ એ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઈશાન ભારતના કોઈ શહેર પરથી રાખવામાં આવ્યું છે.

નૌકાદળે જણાવ્યું હતું કે ૧૬૩ મીટર લંબાઇ, ૭,૪૦૦ ટન વિસ્થાપિત અને ૭૫ ટકા સ્વદેશી સામગ્રી સાથે, ઇમ્ફાલ દેશમાં બાંધવામાં આવેલા “સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજોમાંનું એક છે.
આઈએનએસ ઇમ્ફાલને બંદર અને સમુદ્ર બંનેમાં સખત અને વ્યાપક ટ્રાયલ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી ૨૦ ઑક્ટોબરે નૌકાદળને શોપવામાં આવ્યું હતું. ત્યારબાદ, જહાજે નવેમ્બર ૨૦૨૩માં સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, જે કાર્યરત થતાં પહેલાં કોઈપણ સ્વદેશી યુદ્ધ જહાજ માટે સૌપ્રથમ હતું.

નૌકાદળે જણાવ્યું હતું કે આઈએનએસ ઇમ્ફાલ ૩૦ નોટથી વધુની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે અને તે સપાટીથી સપાટી પરની મિસાઇલ અને સપાટીથી હવામાં મિસાઇલ સહિત અત્યાધુનિક ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ શસ્ત્રો અને સેન્સર્સથી ભરપૂર છે.

જહાજને આધુનિક સર્વેલન્સ રડાર સાથે ફીટ કરવામાં આવ્યું છે જે જહાજની ગનરી વેપન સિસ્ટમ્સને લક્ષ્ય ડેટા પ્રદાન કરે છે. જહાજની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ અને એએસડબલ્યુ હેલિકોપ્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક (એનબીસી) યુદ્ધ પરિસ્થિતિઓ હેઠળ લડવા માટે સજ્જ છે અને તેમાં ઉચ્ચ ડિગ્રી ઓટોમેશન અને સ્ટીલ્થ સુવિધાઓ છે જે તેની લડાઇ ક્ષમતા અને અસ્તિત્વમાં વધારો કરે છે.

કેટલાક મુખ્ય સ્વદેશી સાધનો/સિસ્ટમમાં ઓનબોર્ડ સ્વદેશી મધ્યમ રેન્જની સપાટીથી હવાઈ મિસાઈલ્સ, સપાટીથી સપાટી પરની મિસાઈલ, ટોર્પિડો ટ્યુબ, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, સુપર રેપિડ ગન માઉન્ટ, કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપરાંત ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટેડ. પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, ફોલ્ડેબલ હેંગર દરવાજા, હેલો ટ્રાવર્સિંગ સિસ્ટમ, ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ અને બો માઉન્ટેડ સોનારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નૌકાદળે જણાવ્યું હતું કે ઈમ્ફાલના નિર્માણ અને તેના ટ્રાયલ માટે જે સમય લાગે છે તે કોઈપણ સ્વદેશી વિનાશક માટે સૌથી ઓછો છે.

તેની કીલ ૧૭ મે, ૨૦૧૭ના રોજ નાખવામાં આવી હતી અને જહાજને ૨૦ એપ્રિલ, ૨૦૧૯ના રોજ પાણીમાં છોડવામાં આવ્યું હતું. જહાજ ૨૮ એપ્રિલ, ૨૦૨૩ના રોજ તેની પ્રથમ દરિયાઇ ટ્રાયલ માટે બહાર નીકળ્યું હતું અને ૨૦ ઑક્ટોબર ૨૦૨૪ના રોજ નૌકાદળને પહોંચાડવામાં આવ્યું હતું, તેના કદના જહાજ માટે છ મહિનાની રેકોર્ડ સમયમર્યાદા સૌથી ઝડપી ગણાય.

પ્રોજેક્ટ ૧૫બી (વિશાખાપટ્ટનમ વર્ગ) એ પ્રોજેક્ટ ૧૫એ (કોલકાતા વર્ગ) અને પ્રોજેક્ટ ૧૫ (દિલ્હી વર્ગ) સ્વદેશી વિનાશકના વંશમાં નવીનત્તમ છે, જેમાં અપગ્રેડ કરેલી ક્ષમતાઓ અને વધુ સ્વદેશી સામગ્રી છે. (એજન્સી)

ભારતે અરબી સમુદ્રમાં ચાર યુદ્ધ જહાજો ગોઠવ્યા
મુંબઈ: ભારતના પશ્ર્ચિમ કિનારે અરબી સમુદ્રમાં લાઇબેરિયન ધ્વજ ધરાવતા ભારતીય વેપારી જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા પછી, ભારતીય નૌકાદળે આ પ્રદેશમાં દરિયાઈ સુરક્ષાને વધારવા માટે ચાર યુદ્ધ જહાજો ગોઠવ્યા હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.

અરબી સમુદ્રમાં વાણિજ્યિક જહાજો માટે વધી રહેલા જોખમોને પહોંચી વળવા માટે, ભારતીય નૌકાદળે એક વ્યાપક વ્યૂહરચના ગોઠવી છે.

લાંબા અંતરના પેટ્રોલિંગ માટે વપરાતાં પી-૮૧ એરક્રાફ્ટને સર્વેલન્સનું કામ સોંપવામાં આવ્યું છે, જ્યારે આઈએનએસ મોર્મુગાઓ, આઈએનએસ કોચી અને અને આઈએનએસ કોલકાતા નામના ત્રણ યુદ્ધ જહાજોને વ્યાપક હાજરી જાળવવા માટે આ પ્રદેશમાં વ્યૂહાત્મક રીતે સ્થાન આપવામાં આવ્યું છે.

વેસ્ટર્ન નેવલ કમાન્ડનું મેરીટાઇમ ઓપરેશન સેન્ટર કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. યુદ્ધ જહાજો, સર્વેલન્સ એરક્રાફ્ટની તૈનાતી અને ચાલી રહેલી તપાસ દરિયાઈ સુરક્ષા અને અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો દ્વારા ઉદ્ભવતા વિકસતા જોખમોને પહોંચી વળવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
એમવી કેમ પ્લુટો જહાજ સાઉદી અરેબિયાના અલ જુબેલ બંદરથી ન્યૂ મેંગ્લોર બંદર તરફ જઈ રહ્યું હતું ત્યારે આ હુમલો થયો હતો અને તેણે અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજોની સલામતી અંગે ચિંતા ઊભી કરી હતી.

ભારતીય નૌકાદળની વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝલ ટીમે હુમલાના બે દિવસ બાદ, મુંબઈ બંદર પર તેના આગમન પર એમવી કેમ પ્લુટોનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. ટીમનો ઉદ્દેશ્ય હુમલાના પ્રકાર અને પ્રકૃતિનું મૂલ્યાંકન કરવાનો હતો, પ્રારંભિક તારણો ડ્રોન હુમલાનું સૂચન કરે છે. જો કે, હુમલામાં વપરાતા વિસ્ફોટકના પ્રકાર અને જથ્થા સહિતની વિશિષ્ટતાઓ નક્કી કરવા માટે વધુ ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્ર્લેષણ જરૂરી છે.

એમવી કેમ પ્લુટો પરનો તાજેતરનો હુમલો એ અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો સાથે સંકળાયેલી શ્રેણીબદ્ધ ઘટનાઓનો એક ભાગ છે, જેમાં ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓ ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સમુદ્ર અને એડનના અખાતમાં જહાજોને નિશાન બનાવવા માટે જવાબદાર હોઈ શકે તેવા અહેવાલો સૂચવે છે.

પેન્ટાગોનના પ્રવક્તાએ રવિવારે ખુલાસો કર્યો હતો કે એમવી કેમ પ્લુટો પરનો હુમલો “ઈરાન તરફથી ફાયર કરવામાં આવેલા વન-વે એટેક ડ્રોન” દ્વારા કરવામાં આવ્યો હતો.

હુમલા છતાં, એમવી કેમ પ્લુટોને મુંબઈ ખાતેના કંપની-ઈન્ચાર્જ દ્વારા આગળની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી છે. કાર્ગોના શિપ-ટુ-શિપ ટ્રાન્સફરમાં સામેલ થતાં પહેલાં સત્તાવાળાઓ દ્વારા નિરીક્ષણ કરીને જહાજ ફરજિયાત તપાસમાંથી પસાર થવાનું છે. ત્યારબાદ, ડ્રોન હુમલાના પરિણામે ક્ષતિગ્રસ્ત ભાગનાં સમારકામ માટે જહાજને ડોકીંગ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…