અમે બૅરિકેડ તોડ્યા, પરંતુ કાયદો તોડ્યો નથી: રાહુલ ગાંધી
ગુવાહાટી : રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા‘ને મંગળવારે શહેરમાં પ્રવેશતા અટકાવાઈ હતી અને આને પગલે થયેલા વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ બૅરિકેડ તોડી નાખ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ગાંધીએ શહેરના સીમાડે પક્ષના ટેકેદારોને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે અમે બૅરિકેડ તોડ્યા, પરંતુ કાયદો તોડીશું નહીં.
પોલીસે યાત્રાને શહેરની હદમાં આવતા રોકવા બે જગ્યાએ બૅરિકેડ મુકાયા હતા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવવા બળનો પ્રયોગ કર્યો હતો. ગાંધીએ ગુવાહાટીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનું ધમધમતું સ્વાગત કરાયું હતું અને તેમને રસ્તામાં વિદ્યાપીઠના થોડા વિદ્યાર્થીને પણ સંબોધન કર્યું હતું.
ટેકેદારોને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ આજ રૂટ લીધો હતો, પરંતુ અમને શહેરમાં પ્રવેશવા દેવાતા નથી.
તેમણે કહ્યું હતું કે તમારે એમ ન સમજવું જોઈએ કે અમે નબળા છીએ. તેમણે તેમના ટેકેદારો અને કાર્યકર્તાઓને બબ્બર શેર કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓએ મારો યુનિવર્સિટીનો કાર્યક્રમ રદ કર્યો, પરંતુ વિદ્યાર્થીઓએ મને બહાર સાંભળ્યા હતા.
રાહુલે કહ્યું હતું કે કૉંગ્રેસના કાર્યકર્તાઓ કોનાથી ગભરાતા નથી, અમે આસામમાં ટૂંક સમયમાં ભાજપને હરાવીશું અને કૉંગ્રેસની સરકાર રચીશું. (એજન્સી)