પહેલગામ હુમલા બાદ બંગાળના એક શિક્ષકે ઇસ્લામ છોડવાની જાહેરાત કરી; જાણો કેમ છે ધર્મથી નારાજ…

કોલકાતા: જમ્મુ અને કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શોક સાથે સાથે રોષનો પણ માહોલ છે. સાક્ષીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ ધર્મ પૂછી અને આઈડી ચેક કરીને હિંદુ ધર્મના લોકોને ગોળીઓ મારી હતી. ઇસ્લામના નામ પર કરવામાં આવેલા આ ધ્રુણાસ્પદ કૃત્યને મુસ્લિમ સમુદાયે વખોડી કાઢ્યું છે. આ હુમલાથી વ્યથિત પશ્ચિમ બંગાળના બદુરિયાના શિક્ષક સાબીર હુસૈને ઇસ્લામ ધર્મ છોડી દેવાનો નિર્ણય જાહેર કર્યો છે. અહેવાલ મુજબ સબીર હુસૈન પોતાની ધાર્મિક ઓળખ છોડી દેવા માટે કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ પોતાના જીવનને ધાર્મિક ઓળખાણથી મુક્ત કરવા ઈચ્છે છે.
શા કારણે લીધો નિર્ણય?
એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સબીર હુસૈને જણાવ્યું, “હું કોઈ ધર્મનું અપમાન નથી કરવા ઈચ્છતો, આ એક વ્યક્તિગત નિર્ણય છે. મેં અનુભવ્યું છે કે કેવી રીતે ધર્મનો ઉપયોગ હિંસા ફેલવવા સાધન તરીકે થઇ રહ્યો છે, ખાસ કરીને કાશ્મીરમાં. મને હવે આ સ્વીકાર્ય નથી લાગી રહ્યું. માટે હવે હું માત્ર એક માણસ તરીકે ઓળખાવવા ઈચ્છું છું, કોઈ ધાર્મિક ઓળખાણને આધારે નહીં. જેના કારણે હું સત્તાવર રીતે કોર્ટમાં અરજી કરવા જઈ રહ્યો છું.”
ફેસબુક પર એક પોસ્ટ કરી સબીર હુસૈને પોતાનો નિણર્ય જાહેર કર્યો હતો. તેમણે જાહેર કર્યું કે તેઓ પોતાને કાયદાકીય રીતે ઇસ્લામથી અલગ કરી રહ્યા છે. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ આ નિર્ણય તેમના પરિવાર પર નહીં થોપે. તેમણે જણાવ્યું, “મારી પત્ની અને મારા સંતાનો જે ઈચ્છે એ રસ્તો પસંદ કરી શકે છે, આ એક વ્યક્તિગત નિર્ણય છે. આજથી મારો ઇસ્લામ સાથે કોઈ સંબંધ નથી.”
સબીર હુસૈને જણાવ્યું કે, “કોઈ ચોક્કસ ધર્મના હોવાને કારણે કોઈની સામે હિંસા કેમ કરવામાં આવે છે? આ પ્રશ્ન મને વ્યથિત કરી રહ્યો છે.” આ ઉપરાંત તેમણે ધર્મના આધારે થઇ રહેલા ભેદભાવો અંગે નારજગી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે આજે દરેક ઘટનાને ધર્મ સાથે જોડવામાં આવી રહી છે, હું આવી દુનિયામાં જીવવા ઈચ્છતો નથી.