એ ગોઝારી રાત…વાયનાડના ભૂસ્ખલનનો વીડિયો વાયરલ, કુદરતના પ્રકોપનો પુરાવો…

વાયનાડઃએ ગોઝારી રાત…વાયનાડના ભૂસ્ખલનનો વીડિયો વાયરલ, કુદરતના પ્રકોપનો પુરાવો
વાયનાડઃ કેરળના વાયનાડનું જનજીવન હજુ ભૂસ્ખ્લનના પ્રકોપથી બહાર આવ્યું નથી. કેરળમાં એક રાતમાં જે હાહાકાર મચ્યો તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડ્યો જોઈને જ અંદાજ મેળવી શકાય કે પ્રકૃતિ જ્યારે રૂઠે ત્યારે કેવા હાલ થાય છે. 300થી વધારે લોકોના જીવ ગયા અને 119 ગૂમ થયા તે પહેલાની રાતનો આ વીડિયો છે.
સીસીટીવી વિડિયોમાં જોઈ શકાય છે કે પાણી એટલું ઝડપથી આવ્યું કે કોઈને બચવાની તક પણ ન મળી. રાત્રીનો સમય હોવાથી બધા સૂતા હતા અને કાટમાળ સાથે ઝડપથી વહેતા પાણીએ લોકોને તણખલાની જેમ પોતાની સાથે લઈ લીધા હતા. વાયનાડ હજુ પણ વિનાશક ભૂસ્ખલનના આઘાતમાંથી બહાર આવ્યું નથી.
ફૂટેજમાં પૂરના પાણીને બંધ દુકાનોમાં ઘૂસતા જોઈ શકાય છે અને આંખના પલકારામાં પાણી શટર અને દિવાલોને તોડી નાખે છે. આ દુર્ઘટનામાં સંપૂર્ણ નાશ પામેલા ચુરલમાલાની કેટલીક દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ડરામણા છે. એક ફૂટેજમાં જોઈ શકાય છે કે દુકાનમાં પૂરનું પાણી ઘૂસી રહ્યું છે અને મોટા પથ્થરો પડતાં દીવાલો તૂટી રહી છે. અન્ય ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂરના પાણીમાં તણાઈને પશુઓ પણ દુકાન તરફ આવ્યા હતા.
દરમિયાન મળેલી માહિતી અનુસાર વેલ્લારામલા સ્કૂલના 552 વિદ્યાર્થીઓ અને મુંડક્કાઈ સ્કૂલના 62 વિદ્યાર્થીઓ માટે વધારાની સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે વધારાના વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને સ્ટાફ રૂમ નવેસરથી બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે બાળકોને ગણવેશ અને પુસ્તકો આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્તારમાં ભૂસ્ખલન દરમિયાન 36 બાળકોના જીવ ગયા અને 17 ગુમ થયા છે.