મેરા પ્યાર વાયનાડઃ સેનાએ પણ આપ્યો બાળકના પત્રનો ભાવુક જવાબ
વાયનાડઃ આખા દેશને હચમચાવી નાખનાર વાયનાડના ભૂસ્ખલનનો મોતનો આંકડો તો ડરાવનારો છે, પરંતુ આવી આપત્તી સમયે પણ અમુક કિસ્સાઓ એવા બને છે જે હૃદયને થોડી ઠંડક પહોંચાડે છે. ખૂબ જ કપરી પરિસ્થિતિમાં દિવસ-રાત જોયા વિના સૈન્ય અને એનડીઆરએફના જવાનો કામ કરી રહ્યા છે અને તેમને લીધે ઘણી જિંદગીઓ બચી છે ત્યારે બીજા કોઈ તેમના કામની કદર કરે કે ન કરે, એક ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ તેમને એક પત્ર લખી નાખ્યો અને તેમાં સેનાનો આભાર માન્યો અને પોતે પણ મોટો થઈ ભારતીય સેનામાં ભરતી થશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી.
કુદરતી હોય કે માનવસર્જિત આફત, જ્યાં જરૂર પડે ત્યાં જીવની બાજી લગાવી પહોંચી જતી સેના માટે આ પત્ર કોઈ મોટા પુરસ્કારથી ઓછો નહીં હોય અને તેથી તેમણે પણ બાળકના પત્રનો જવાબ એટલા જ ભાવથી આપ્યો છે.
ભારતીય સેનાએ સેનાએ રેયાનનો તેના પત્ર માટે આભાર માન્યો. ભારતીય સેનાએ જવાબ આપતા કહ્યું કે તમારા હૃદયસ્પર્શી શબ્દો અમારા હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા છે. અમારો ધ્યેય કટોકટીના સમયમાં આશાનું કિરણ બનવાનું છે અને તમારો પત્ર સાબિત કરે છે કે અમે આ કામ જ કરી રહ્યા છે. તમારા જેવા હીરો અમને શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપે છે. અમે તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તમે યુનિફોર્મ પહેરીને અમારી સાથે ઊભા રહેશો. આપણે સાથે મળીને આપણા દેશને ગૌરવ અપાવીશું.
વાયનાડમાં મોતનો મંજર જોઈ શકાય તેમ નથી. આખા ગામ જાણે નકશામાંથી ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે ત્યારે જેમના જીવ બચ્યા છે, તેમની માટે હવે નવું જીવન શરૂ કઈ રીતે કરવું તેનો પડકાર છે.