બેંગલૂરુમાં જળસંકટ: પાણીનાં ટેન્કરના ઊંચા ભાવ કર્ણાટકના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનનાં ઘરમાં પણ પાણીના ધાંધિયા
બેંગલૂરુ: શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરે પાણીની કટોકટીને લીધે વિદ્યાર્થીઓને એક અઠવાડિયા માટે વર્ગોમાં ઓનલાઇન જ હાજરી આપવાની સૂચના આપી હતી. એવી જ રીતે, શહેરના બન્નેર્ઘટ્ટા રોડની એક શાળાએ પણ વિદ્યાર્થીઓને પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ગોમાં વર્ચ્યુઅલી હાજરી આપવાનો આદેશ આપ્યો હતો.
કર્ણાટકમાં ૨૦૨૩માં ઘણો ઓછો વરસાદ થયો હોવાથી રાજ્યમાં, ખાસ કરીને તેના પાટનગરમાં પાણીના ધાંધિયા શરૂ થયા છે.
બેંગલૂરુના કુમારકૃપા માર્ગ પર આવેલા કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાના સત્તાવાર નિવાસસ્થાને પણ પાણીના ટેન્કરો મગાવવા પડે છે, એ વાત જ બતાવે છે કે રાજ્યમાં પાણીની તકલીફ કેટલી બધી છે.
નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે જણાવ્યું હતું કે રાજ્યના પાટનગરમાં સદાશિવનગર ખાતે આવેલા મારા નિવાસસ્થાનમાંના બોરવેલમાંનું પાણી સુકાઇ ગયું છે.
સદાશિવનગર સન્કી તળાવની નજીક આવેલું હોવા છતાં આ વિસ્તારમાં પાણીની મુશ્કેલી ઊભી થઇ ગઇ છે.
બેંગલૂરુમાં પાણીના ટેન્કરના રૂપિયા ૭૦૦થી રૂપિયા ૮૦૦ લેવાતા હતા, પરંતુ પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ભાવ ટેન્કર દીઠ રૂપિયા ૧,૫૦૦થી રૂપિયા ૧,૮૦૦ લેવાય છે.
કર્ણાટકના ૧૩૬ તાલુકામાંના ૧૨૩ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, જ્યારે બાકીના અનેક તાલુકામાં પાણીની ગંભીર કટોકટી હોવાની જાહેરાત કરાઇ હતી. (એજન્સી)