PM મોદીએ કેમ દેશવાસીઓ અને સાંસદો પાસે માફી માંગી??
નવી દિલ્હીઃ ગઈ કાલનો દિવસ દેશ માટે ઐતહસિક હતો કારણ કે દેશવાસીઓ એક નવા ઇતિહાસના સાક્ષી બન્યા હતા. આ ઐતિહાસિક ઘટના એટલે જૂની સંસદને વિદાય આપીને નવી સંસદમાં પ્રવેશ… આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો ભવન નવું છે તો ભાવના પણ નવી હોવી જોઈએ. તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પ્રસંગે નવી સંસદમાં ગૃહ પ્રવેશ થયો છે એટલે આપણે પણ આ બંને તહેવારોની મૂળભૂત લાગણીઓને કાયમ માટે ગ્રહણ કરવી જોઈએ.
પીએમ મોદીએ સંવત્સરીના તહેવારને ઉલ્લેખ કરીને સાંસદો અને દેશવાસીઓની માફી પણ માંગી હતી. તેમણે કહ્યું, ‘મારા તરફથી તમામને મિચ્છામી દુક્કડમ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં જૈન ધર્મ સંબંધિત ભાવના મિચ્છામી દુક્કડમનો ઉલ્લેખ કર્યો હતો. ગઈ કાલે સંવત્સરીનો તહેવાર હતો અને આ એક અદ્ભુત પરંપરા છે. આ દિવસને ક્ષમાનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે મિચ્છામી દુક્કડમ કહેવાનો દિવસ છે. આજનો દિવસ માફી માગવાનો દિવસ છે. આજના દિવસે તમે જેને પણ અજાણતા હૃદયથી, ક્રિયા દ્વારા, શબ્દ દ્વારા નુકસાન પહોંચાડ્યું છે એ તમામ પાસે હું નમ્રતાથી, મારા હૃદયથી તમે બધા, સંસદના તમામ સભ્યો અને દેશવાસીઓ પાસેથી મિચ્છામી દુક્કડમ માંગુ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે મિચ્છામી દુક્કડમનો સંબંધ જૈન ધર્મ સાથે છે. દર વર્ષે આઠ દિવસ પર્યુષણ ઉજવે છે અને છેલ્લા દિવસે વિશ્વ મિત્રતા દિવસ’ એટલે કે સંવત્સરી મહોત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવારના અંતે જૈન ધર્મના તમામ અનુયાયીઓ એકબીજા પાસે કરેલી ભૂલો માટે માફી માંગે છે. મિચ્છામી દુક્કડમ એ પ્રકૃત ભાષાનો શબ્દ છે. મિચ્છામી અર્થ ક્ષમા થાય છે જ્યારે દુક્કડમનો અર્થ દુષ્ટ કાર્યો થાય છે.