‘વક્ફ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી…’, સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ

નવી દિલ્હી: ગત મહીને સંસદમાંથી પસાર કરવામાં આવેલા વકફ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2025 સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી શરુ (Hearing against Waqf Act in SC) થઇ ગઈ છે. આજે બુધવારે સુનાવણીના બીજા દિવસે સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા(Tushar Mehta)એ મહત્વની દલીલો કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વકફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ તે ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. આથી, તે બંધારણ હેઠળ મૂળભૂત અધિકાર હોવાનો દાવો કરી શકાય નહીં.
આ પણ વાંચો: વક્ફ કાયદા પર SCમાં સુનાવણી: ‘કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં…’ CJIની મોટી ટિપ્પણી
મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર.ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચ આ કાયદા વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, વકફ એક ઇસ્લામિક ખ્યાલ છે, જેણે નકારી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી તેને ઇસ્લામના અનિવાર્ય ભાગ તરીકે સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અન્ય દલીલોનો કોઈ અર્થ નથી.
સરકારી જમીન પર દાવો થઇ શકે નહીં:
મહેતાએ વકફ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2025નો બચાવ કરતા કહ્યું કે કોઈપણ વ્યક્તિને સરકારી જમીન પર દાવો કરવાનો અધિકાર નથી, ભલે તેને વકફ તરીકે જાહેર કરવામાં આવી હોય. તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ સરકારી જમીન પર દાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટનો જ એક ચુકાદો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો મિલકત સરકારની માલિકીની હોય અને તેને વકફ તરીકે જાહેર કરવામાં આવે, તો સરકાર તેને બચાવી શકે છે.
સોલિસિટર જનરલે વધુમાં કહ્યું કે, વકફ મિલકત મૂળભૂત અધિકાર નથી. તેને કાયદા દ્વારા માન્યતા આપવામાં આવી હતી. જો કોઈ અધિકાર કાયદાકીય નીતિ હેઠળ આપવામાં આવે છે, તો તેને પાછો લઈ શકાય છે.