
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું હતું. બિલ રજૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, જો બિલ કેબિનેટની મંજૂરી વગર આવત તો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવત. આ કૉંગ્રેસના જમાના જેવી કમિટી નથી, અમારી કમિટી મગજથી ચાલે છે. કૉંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ થતા જ વિરોધ કર્યો હતો.
Waqf (Amendment) Bill taken up for consideration and passing in Lok Sabha.#WaqfAmendmentBill pic.twitter.com/8f2a9sWfbo
— ANI (@ANI) April 2, 2025
વક્ફ સંશોધન બિલ 2024, વક્ફ અધિનિયમ 1995માં ફેરફાર કરનારું એક બિલ છે. તેને કેન્દ્ર સરકાર આજે લોકસભામાં રજૂ કરશે અને ચર્ચા કરીને પાસ કરાવવાની કોશિશ કરસે. તેનો હેતુ વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ, પારદર્શકતા, દુરુપયોગ રોકવા માટે નિયમોને કડક કરવાનો છે. બિલમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ અને મહિલા સભ્યોને સામેલ કરવા, કલેકટરને સંપત્તિ સરવેનો અધિકાર આપવો અને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવાની જોગવાઈ સામેલ છે.
કોણે કોણે કર્યું વક્ફ બિલનું સમર્થન
લોકસભામાં 542 સભ્યોમાંથી NDA પાસે 293 સાંસદો છે અને ભાજપ ઘણી વખત કેટલાક અપક્ષ સભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીડીપી, જેડી(યુ) અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળના એલજેપી (રામવિલાસ) જેવા ભાજપના મુખ્ય સાથી પક્ષોએ શરૂઆતમાં બિલના કેટલાક પાસાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સંસદની સંયુક્ત સમિતિ દ્વારા તેમના કેટલાક સૂચનો સ્વીકારાયા પછી સમર્થન આપવાની જાહેરાત કરી છે.
જો આ રીતે જોવામાં આવે તો, વક્ફ બિલના સમર્થનમાં કુલ 293 સાંસદો છે જ્યારે બહુમતીનો આંકડો 272 છે. TDP સહિત ભાજપના સાથી પક્ષોએ બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે, તેથી એવું માનવામાં આવે છે કે સરકાર પાસે જરૂરી સંખ્યા છે.
કોણ કોણ કરી રહ્યું છે વક્ફ બિલનો વિરોધ
વિરોધ પક્ષો આ બિલનો જોરદાર વિરોધ કરી રહ્યા છે અને તેને ગેરબંધારણીય અને મુસ્લિમ સમુદાયના હિતોની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. કેટલાક અગ્રણી મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.
રાજ્યસભાનું શું છે ગણિત
રાજ્યસભામાં કુલ 236 સાંસદ છે. જ્યારે બહુમતનો આંકડો 119 છે. વક્ફ બિલના સમર્થનમાં ભાજપના 98 સાંસદ, સહયોગી પક્ષના 19 સાંસદ, અપક્ષ અને અન્ય મળીને આંકડો 125 સુધી પહોંચે છે. જે બહુમતથી 6 વધારે છે. બિલનો વિરોધ કરનારામાં કોંગ્રેસના 27 સાંસદ, અન્ય પક્ષોના 60 સાંસદ અને અપક્ષ મળીને 88 સુધી પહોંચે છે. જ્યારે વાઈએસઆરના 7, બીજેડીના 9 તથા અન્ય 9 સાંસદોએ કોઈ સ્પષ્ટતા કરી નથી.