ટોપ ન્યૂઝનેશનલ

વક્ફ સુધારા બિલ ટૂંક સમયમાં સંસદમાં રજુ થશે; આજે સાંસદોની બેઠક, AIMPLB નું વિરોધ પ્રદર્શન…

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બહુ ચર્ચિત વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) સંસદમાં રજૂ કરવા જઈ રહી છે, આ બિલને ગૃહમાં રજુ કરતા પહેલા આજે તમામ સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. સંસદ ભવનના સમન્વય કક્ષમાં સવારે 09:30 થી 10:30 વાગ્યા સુધી બેઠક યોજાશે. આ બેઠકમાં વકફ સુધારાના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ બિલ પર ગૃહમાં ચર્ચા દરમિયાન હોબાળો થવાની પૂરી શક્યતા છે.

આજે બોલાવવામાં આવેલી સાંસદોની બેઠકમાં તમામ સાંસદોને વકફ બિલ અંગે માહિતી આપવામાં આવશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષના ઘણા પક્ષોએ આ બિલ સામે અગાઉ વાંધો ઉઠાવ્યો છે. આ બિલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC) પાસે મોકલવા છતાં, તેના પર સર્વસંમતિ બની શકી નથી.

બિલનો વિરોધ:

અહેવાલ મુજબ, આજે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) પટનામાં બિહાર વિધાનસભાની સામે આ બિલના વિરોધમાં આજે પ્રદર્શન કરશે. આ પ્રદર્શન માટે નીતિશ કુમારની પાર્ટી JDU અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

બોર્ડે અગાઉ દિલ્હીના જંતર-મંતર પર વિપક્ષના પક્ષોને એકસાથે લાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે પટનામાં વિધાનસભાની સામે આવા જ પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે. AIMPLB આ મુદ્દા પર વિપક્ષી પક્ષોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બોર્ડ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ પર પણ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ મુસ્લિમ સંગઠનોએ વક્ફના અંગે પર નીતિશ કુમારની ઇફ્તારીનો વિરોધ કર્યો હતો, પરંતુ આજે JDUને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટી, ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ અને ડાબેરી મોરચાના પક્ષોને પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. AIMPLBનો ઈરાદો વક્ફ સુધારા બિલના વિરોધ માટે વધુને વધુ પક્ષોનું સમર્થન મેળવવાનો અને બિલને સંસદમાં પસાર થવાથી રોકવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button