સંસદમાં અટક્યું વક્ફ બિલ, હવે JPC પાસે મોકલવામાં આવશે | મુંબઈ સમાચાર

સંસદમાં અટક્યું વક્ફ બિલ, હવે JPC પાસે મોકલવામાં આવશે

લોકસભામાં રજૂ કરાયેલ વકફ બોર્ડ બિલ અટવાઇ ગયું છે. હવે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. બિલની જોગવાઈઓ પર વિરોધ પક્ષોના વાંધાઓ પછી, લઘુમતી કલ્યાણ ખાતાના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે. તેના પર સ્પીકરે કહ્યું હતું કે, હા, હું ટૂંક સમયમાં એક સમિતિ બનાવીશ. લોકસભાના સ્પીકર બિરલા હવે બંને ગૃહોના સભ્યોની બનેલી એક સંયુક્ત સંસદીય સમિતિની રચના કરશે, જે આ બિલના પાસાઓ અને સાંસદોના વાંધાઓ પર વિચારણા કરશે અને સંસદમાં તેની ભલામણ રજૂ કરશે.

આ પણ વાંચો: Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે

આ પહેલા ગુરુવારે, સરકારે લોકસભામાં વકફ (સુધારા) બિલ 2024 રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો વિરોધ પક્ષે જોરદાર વિરોધ કર્યો હતો અને તેને ગૃહની વૈધાનિક સત્તાની બહાર અને બંધારણના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું હતું. વિરોધ પક્ષોના સાંસદોએ સુધારા બિલને પાછું ખેંચવાની અથવા સંયુક્ત સંસદીય સમિતિને વિચારણા માટે મોકલવાની માંગ કરી હતી. બપોરે 1 વાગ્યે, સ્પીકર ઓમ બિરલાની પરવાનગી સાથે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો વિરોધ કરીને વિપક્ષે નિયમ 72 હેઠળ આ પ્રસ્તાવ પર ચર્ચાની માંગ કરી.

આ પણ વાંચો: AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનને મોટી રાહત, વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન

આ પછી, વિપક્ષની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, બિરલાએ તેમને નિયમ 72 હેઠળ બોલવાની મંજૂરી આપી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, સીપીઆઈ(એમ), સીપીઆઈ, વાયએસઆર કોંગ્રેસ વગેરે જેવા પક્ષોએ બિલનો વિરોધ કર્યો હતો, જ્યારે સત્તારૂઢ એનડીએના સાથી પક્ષો જનતા દળ યુનાઈટેડ, તેલુગુ દેશમ અને શિવસેનાએ બિલને સમર્થન આપ્યું હતું. શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદેએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે જે લોકો જાતિ અને ધર્મના આધારે દેશની વ્યવસ્થા ચલાવવા માંગે છે તેમને શરમ આવવી જોઈએ. આ બિલનો હેતુ પારદર્શિતા અને જવાબદારી લાવવાનો છે, પરંતુ બંધારણ પર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે, તેમની સરકારે મહારાષ્ટ્રમાં શિરડી અને મહાલક્ષ્મી મંદિરોમાં પ્રશાસકોની નિમણૂક કરતી વખતે બંધારણ અને સંઘીય માળખું કેમ યાદ નહોતું રાખ્યું?

દિલ્હી સ્ટેટ હજ કમિટીએ આ બિલને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ બિલથી ભ્રષ્ટાચારની શક્યતા ઓછી થશે.

Back to top button