પ્રતીક્ષા પૂરી થઈ! પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારના તાળા 46 વર્ષ બાદ ખુલ્યા

ઓડિશા સરકારે રવિવારે પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ પછી ખોલવામાં આવ્યો છે. રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો. રત્ન ભંડાર રવિવારે ફરી ખોલતા પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું સખતપણે પાલન કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 1905,1926 અને ત્યાર બાદ 1978માં ખોલવામાં આવ્યો હતો. આ સમયે ત્યાં રહેલી મોંઘી વસ્તુઓની યાદી બનાવવામાં આવી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રત્ન ભંડારનો અંદરનો ભાગ 1985માં પણ ખોલવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે યાદી અપડેટ થઇ શકી નહોતી. જોકે, 1978માં જે યાદી બનાવવામાં આવી હતી, તેમાં લગભગ 128 કિલો સોનુ અને 222 કિલો ચાંદી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બધા સિવાય સોના-ચાંદીની વસ્તુઓ વિશે કોઇ ઉલ્લેખ નહોતો. 1978થી મંદિરમાં કેટલી મિલકત આવી છે તેનો કોઇ અંદાજ નથી.
ઓડિશા સરકારે શનિવારે ચાર દાયકાથી વધુ સમય પછી રત્ન ભંડાર ખોલવાની મંજૂરી આપી છે જેથી ત્યાં સંગ્રહિત જ્વેલરી સહિતની કિંમતી વસ્તુઓની ઇન્વેન્ટરી કરી શકાય.
આ પણ વાંચો : Kawad Yatra પૂર્વે શિવભક્તોને આંચકો, ગૌમુખથી ગંગાજળ ભરવા પર પ્રતિબંધ મુકાયો…
આ તિજોરીમાં તે વસ્તુઓ છે જે તે સમયના રાજાઓ અને ભક્તો દ્વારા મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી. ત્યારથી 12મી સદીમાં બનેલા મંદિરમાં આ વસ્તુઓ રાખવામાં આવી છે. આ ભંડાર બે ભાગો ધરાવે છે, એક બાહ્ય અને આંતરિક ભંડાર. તિજોરીનો બહારનો ભાગ સમયાંતરે ખોલવામાં આવે છે. તહેવારો કે અન્ય કોઈ પ્રસંગો દરમિયાન આભૂષણો કાઢીને ભગવાનને શણગારવામાં આવે છે. આ હંમેશા રથયાત્રા દરમિયાન થાય છે. રત્ન ભંડારની અંદરની ચેમ્બર છેલ્લા 46 વર્ષથી બંધ છે. તે છેલ્લે વર્ષ 1978માં ખોલવામાં આવ્યો હતો. આ ચેમ્બરો પણ વર્ષ 1985માં ખોલવામાં આવી હતી, પરંતુ તેનો હેતુ અને અંદર શું હતું તે વિશે કંઈ જણાવવામાં આવ્યું ન હતું. હાઈકોર્ટે વર્ષ 2018 માં તેને ખોલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. તેનું કારણ પણ ખૂબ જ વિચિત્ર હોવાનું જણાવવામાં આવ્યું હતું. ચેમ્બરની ચાવી ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
નિયમો અનુસાર આ ચાવીઓ પુરીના કલેક્ટર પાસે રહેતી હોય છે. તે સમયેતત્કાલિન કલેક્ટર અરવિંદ અગ્રવાલ હતા. તેમણે કબૂલ્યું હતું કે તેમને ચાવીની કોઈ જાણકારી નથી. આ પછી સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો થયો હતો. તત્કાલીન સીએમ નવીન પટનાયકે પણ દરમિયાનગીરી કરી આ અંગે તપાસના આદેશ આપ્યા હતા. લગભગ 2 અઠવાડિયા પછી તપાસ સમિતિએ કહ્યું કે તેમને એક પરબિડીયું મળ્યું છે જેના પર લખ્યું હતું – આંતરિક રત્ન સ્ટોરની ડુપ્લિકેટ ચાવીઓ. આ સાથે એક લાંબો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમાં શું લખ્યું હતું તે ક્યારેય સાર્વજનિક કરી શકાયું નથી. ઓડિશાના રત્ન ભંડારનું રહસ્ય એકલું નથી, દેશમાં એક બીજું મંદિર છે, જેના દરવાજા વિશે ઘણી ચર્ચા છે.
જગન્નાથ મંદિર ચાર ધામોમાંનું એક છે, તેનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. આ મંદિરમાં રત્નોનો ભંડાર પણ છે. રત્ન ભંડાર ભગવાનનો ખજાનો કહેવાય છે. આ રત્ન ભંડારમાં જગન્નાથ મંદિરના ત્રણ દેવતાઓ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રત્નો રાખવામાં આવ્યા છે. આ ઝવેરાત અનેક રાજાઓ અને ભક્તો દ્વારા સમયાંતરે દેવતાઓને ભક્તિભાવ સાથે અર્પણ કરવામાં આવ્યા હતા, જે રત્ન ભંડારમાં રાખવામાં આવ્યા છે.