નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શરૂ થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ તબક્કામાં કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે લોકસભાની ઘણી બેઠકો પર મુકાબલો છે. ચૂંટણી મેદાનમાં ઘણા મોટા ચહેરાઓ છે, જેના પર દેશની નજર છે.
પ્રથમ તબક્કા (Phase 1 Voting) અંતર્ગત મતદાન આવતીકાલે (19 એપ્રિલ)ના રોજ સવારે 8:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર મતદાન થશે. આવતીકાલે 8 કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલની બેઠકો પર પણ મતદાન થવાનું છે.
ગઈકાલે તામિલનાડુની 39 બેઠકો ઉપરાંત ઉત્તરાખંડની 5, અરુણાચલ પ્રદેશની 2, રાજસ્થાનની 12, મહારાષ્ટ્રની 5, આસામની 5, બિહારની 4, મધ્યપ્રદેશની 6, ઉત્તર પ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 3 બેઠકો અને ત્રિપુરા, જમ્મુ – કાશ્મીર અને છત્તીસગઢમાં એક-એક લોકસભા સીટ પર ચૂંટણી થવાની છે.
પ્રથમ તબક્કામાં નરેન્દ્ર મોદી સરકારના 8 મંત્રીઓનું ચૂંટણી ભાવિ ઈવીએમમાં કેદ થશે. આ સિવાય ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ આ રાઉન્ડમાં મેદાનમાં છે. ચાલો જોઈએ કે આ સમયગાળામાં કયા મોટા નેતાઓ ચૂંટણી મેદાનમાં છે.
જેમ કે કેન્દ્રિય મંત્રી મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક, કિરેન રિજિજુ અરુણાચલ પશ્ચિમ બેઠક, મંત્રી સર્બાનંદ સોનેવાલ આસામની દિબ્રુગઢ, રાજ્યમંત્રી ડૉ.સંજીવ બાલ્યાન મુઝફ્ફરનગર બેઠક, રાજ્યકક્ષાના મંત્રી ડો જીતેન્દ્ર સિંહ જમ્મુ-કાશ્મીરની ઉધમપુર સીટ, મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલ્વર બેઠક, મંત્રી અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનની બિકાનેર સીટ, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પશ્ચિમ ત્રિપુરા બેઠક, ડીએમકેના એ રાજા તમિલનાડુની નીલગિરી બેઠક, કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુની શિવગંગા બેઠક, તેલંગાણાના પૂર્વ ગવર્નર તમિલિસાઈ સૌંદર્યરાજન ચેન્નાઈ દક્ષિણ સીટ, બિહારના પૂર્વ CM જીતનરામ માંઝી બિહારની ગયા સીટ, જિતિન પ્રસાદ પીલીભીત બેઠક, ગૌરવ ગોગોઈ આસામની જોરહાટ સીટ તથા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ છિંદવાડાથી ચૂંટણી લડી રહ્યા છે.