રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના MLA સામે ‘વોટ ચોરી’નો કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

બેંગલુરુ: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પાંચ પણ ‘વોટ ચોરી’ના આક્ષેપ કરી રહ્યા છે. આ દરમિયાન જ કોંગ્રેસ શાસિત રાજ્યમાંથી જ આવો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે મંગળવારે 2023ની વિધાનસભા ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના એક ધારાસભ્યની જીતને અમાન્ય જાહેર કરી દીધી હતી કોર્ટે મતગણતરીમાં થયેલી ગડબડનો હવાલો આપીને પુનઃ મતગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.
કર્ણાટક હાઈકોર્ટે 2023ની વિધાનસભા ચૂંટણીમાં માલુર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય કે. વાય. નંજગૌડાની જીતને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે મતગણતરી પ્રક્રિયામાં ગેરરીતિઓનો ઉલ્લેખ કરીને ફરીથી મતગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય ભાજપના ઉમેદવાર કે.એસ. મંજીનાથ ગૌડાની અરજી પર આવ્યો છે,
આપણ વાંચો: ‘વોટ ચોરી’ મુદ્દે ચૂંટણી પંચે આપ્યો સણસણતો જવાબઃ ‘અમારા માટે બધા પક્ષ એક સમાન’
જેઓ મે 2023ની ચૂંટણીમાં નંજગૌડા સામે માત્ર 248 મતોથી હારી ગયા હતા. હાઈકોર્ટે કહ્યું કે મતગણતરી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓની ગંભીર તપાસ જરૂરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીનું વિડિયો રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કર્યું ન હતું. કોર્ટે ૪ અઠવાડિયાની અંદર ફરીથી મતગણતરીનો આદેશ આપ્યો છે, જોકે આ આદેશને ૩૦ દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે જેથી નંજગૌડા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે.
માલુર વિધાનસભા બેઠક કર્ણાટકની કોલાર લોકસભા બેઠક હેઠળ આવે છે, જે અનુસૂચિત જાતિ (SC) માટે આરક્ષિત છે. 2023ની ચૂંટણીમાં કોંગ્રેસના નંજગૌડાને 29.4% મત, ભાજપના મંજીનાથ ગૌડાને 29.26% મત, અપક્ષ હુડ્ડી વિજયકુમારને 28.48% મત અને જેડીએસને માત્ર 10.17% મત મળ્યા હતા. અત્યાર સુધી માલુરમાં જીતતા ઉમેદવારને હંમેશા 40%થી વધુ મત મળતા હતા, પરંતુ 2023માં ત્રણ દાવેદારોએ આ બેઠકને ત્રિકોણીય બનાવી દીધી હતી.
ભાજપે કોંગ્રેસ પર માલુર ચૂંટણીમાં “વોટ ચોરી” કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્ય દળના નેતા આર. અશોકે કહ્યું, આ કોંગ્રેસ પર સીધો આરોપ છે. હવે શું રાહુલ ગાંધી નંજગૌડા વિરુદ્ધ ‘વોટ ચોરી યાત્રા’ કાઢશે?