વિવેક બિન્દ્રા મુશ્કેલીમાં, પત્નીના મેડિકલ રિપોર્ટમાં શરીર પર ઈજાના નિશાનોની થઈ પુષ્ટિ
નોઇડાઃ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા, કે જેની પર તેની નવી પરિણીત પત્નીને નિર્દયતાથી મારવાનો આરોપ છે તેની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. નોઈડા પોલીસને હવે વિવેક બિન્દ્રાની પત્ની યાનિકાનો મેડિકલ રિપોર્ટ મળ્યો છે. આ મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યાનિકાના શરીર પર ઘણી જગ્યાએ ઈજા થઇ છે.
બીજી તરફ નોઈડા પોલીસે આ ઘટના અંગે વિવેક બિન્દ્રાની માતાનો સંપર્ક કર્યો હતો અને ઘટના અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી. એમ કહેવાય છે કે પત્ની સાથેના વિવાદ દરમિયાન વિવેકની માતા ત્યાં હાજર હતી. વિવેક બિન્દ્રાની પત્ની યાનિકાના પિયર પક્ષના કેટલાક લોકો રવિવારે સેક્ટર-126 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે યાનિકાનો મેડિકલ રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે યાનિકાને શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ છે.
પોલીસનું કહેવું છે કે આ મામલાની અનેક પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. સોમવારે, ફરિયાદ પક્ષ ડીસીપી નોઇડાને મળવાના હતા, જોકે, તેઓ મળ્યા ન હતા. યાનિકાના વકીલે જણાવ્યું હતું કે હાલમાં આ કેસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાશે.
તે જ સમયે, પોલીસને વિવેકની સોસાયટીનો એક વીડિયો પણ મળ્યો છે, જેમાં વિવેક તેની પત્નીને ગેટમાંથી અંદર ખેંચતો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે હાલમાં જ યાનિકાના ભાઈએ નોઈડાના સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને એફઆઈઆર નોંધાવી હતી કે 7 ડિસેમ્બરે સવારે 3 વાગ્યે વિવેક બિન્દ્રા તેની માતા પ્રભા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે પત્ની યાનિકાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવેકે તેને રોકી હતી. વિવેકે યાનિકાને ખરાબ રીતે માર માર્યો હતો. હુમલાની આ ઘટનામાં યાનિકાને ઘણી જગ્યાએ ખરાબ રીતે ઈજા થઈ હતી.