ટોપ ન્યૂઝનેશનલ

Vistara Crisis: વિસ્તારાની વધુ 38 ફ્લાઈટ્સ રદ, કેન્દ્ર સરકારે જવાબ માંગ્યો

નવી દિલ્હી: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની સહ-માલિકીની વિસ્તારા એરલાઇન(Vistara Airline) છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, એરલાઈનની સંખ્યાબંધ ફ્લાઈટ ડીલે અથવા કેન્સલ થઇ રહી છે. અહેવાલો મુજબ આજે મંગળવારે દેશના મહત્વના શહેરોમાંથી ઉપડતી 38 વિસ્તારા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, મુંબઈથી 15 ફ્લાઈટ્સ, દિલ્હીથી 12 અને બેંગલુરુથી 11 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇન પાઇલોટ ઉપલબ્ધ ન હોવાનું કારણ આપી રહી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ કેન્સલેશન અને વિલંબ અંગે વિસ્તારા પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. ગઈકાલે વિસ્તારાની 50 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ 160 ફ્લાઈટ્સ ડીલે થઇ હતી, જેને કારણે હજારો મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરોએ ગઈકાલે એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોતા બેસી રહ્યા હતા, અને મુસાફરો એરલાઇનના વર્તનને વખોડી રહ્યા છે. ફ્લાઈટ્સ કેન્સલ અથવા કલાકો સુધી ડીલે થતા મુસાફરોએ સોશિયલ મીડિયા રોષ ઠાલવી રહ્યા છે.

વિસ્તારાએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રુની અનુપલબ્ધતા સહિત અન્ય વિવિધ કારણોસર છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર સંખ્યામાં ફ્લાઇટ રદ થવાની અને વિલંબ થવાની સમસ્યા ઉભી થઇ છે. જેના કારણે અમારા ગ્રાહકોને પડતી અસુવિધા વિશે અમે ચિંતિત છીએ. અમારી ટીમો ગ્રાહકોને પડતી અગવડતા ઘટાડવા માટે કામ કરી રહી છે.

એરલાઈને એમ પણ કહ્યું છે કે અમારા સમગ્ર નેટવર્ક પર પર્યાપ્ત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા, ફ્લાઈટ્સની સંખ્યાને અસ્થાયી ધોરણે ઘટાડવાનો નિર્ણય લીધો છે.

અહેવાલો મુજબ વિસ્તારાના એર ઇન્ડિયા સાથે મર્જર પહેલા નક્કી કરવામાં આવેલા સેલેરી સ્ટ્રક્ચરનો પાઇલોટ્સ વિરોધ કરી રહ્યા છે. પાઈલટોને ચેતવણી આપવામાં આવી હતી કે જેઓ સહી નહીં કરે તેમને મર્જર બાદ નોકરી પર રાખવામાં આવશે નહીં. જેના કારણે સંખ્યાબંધ પાઇલોટ રજા પર ઉતરી ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button