દ્વારકામાં રાસની રમઝટનો વિશ્ર્વવિક્રમ
૩૭ હજારથી વધુ આહીરાણીઓ એકસાથે મહારાસ રમી
(પ્રવિણ સેદાણી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કૃષ્ણનગરી દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું આજે પુનરાવર્તન થયું હતું. રવિવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ૩૭ હજારથી વધુ આહીરાણીઓએ એક સાથે મહારાસ રમી વિશ્ર્વવિક્રમ કરાયો છે. મહારાસને અનુલક્ષીને ભવ્ય પરંપરાની ઝાંખી રજૂ કરાઈ હતી. ૩૭ હજાર આહીરાણીના મહારાસનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે જેમાં મહારાસનું અલૌકિક દૃશ્ય જોવા મળી રહ્યું છે.
કૃષ્ણનગરી દ્વારકામાં રવિવારે વહેલી સવારે આશરે ૩૭ હજાર આહીર મહિલાઓએ એકસાથે રાસ રમીને વિશ્ર્વ વિક્રમ સર્જ્યો છે. સમગ્ર દ્વારકા વિસ્તાર અને સાજ-શણગારથી દીપી ઊઠ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આહીરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કૅનેડા સહિતના વિદેશની આહીરાણીઓ પણ આ રાસોત્સવમાં સહભાગી બની છે.
મહારાસને અનુલક્ષીને દ્વારકામાં આહીર સમાજ ઊમટી પડ્યો હતો. કૃષ્ણનગરી અનેરા શણગારથી દીપી ઊઠી હતી, જ્યારે જગત મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. ગઈકાલે આહીર સમાજ દ્વારા વાજતે-ગાજતે જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા, જ્યારે મહારાસના સ્થળે પૂજન-અર્ચન યોજાયા હતા. રાત્રે લોકડાયરાએ અનેરી જમાવટ કરી હતી. ડાયરો માણવા માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું.
દ્વારકામાં રુક્ષ્મણી મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં ગઈકાલે સાંજે સન્માન સમારોહ, પૂજન-અર્ચન, સમૂહ પ્રસાદ તથા રાત્રે કલાકારોના ભવ્ય લોકડાયરા ઉપરાંત આહીર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગઈકાલ સાંજથી શરૂ થયેલા આહીરાણી મહારાસના કાર્યક્રમના પ્રારંભે આ સ્થળે બિઝનેસ એક્સપો અને હસ્તકલા ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આહીર જ્ઞાતિના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાપુરીમાં આહીરાણી મહારાસના કાર્યક્રમની શરૂઆત ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ધ્વજા ચડાવીને કરવામાં આવી હતી.