
બેંગ્લૂરુ: ભારતના ટોચના ક્રિકેટર અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને એક પછી એક જીત અપાવીને ત્રીજા સ્થાન પર લાવનાર વિરાટ કોહલીએ કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓએ હિંદુ પર્યટકો પર કરેલા ઘાતક હુમલા બાદ અસરગ્રસ્તો વિશે હૃદયસ્પર્શી સ્ટોરી (STORY) ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર પોસ્ટ કરી છે.
કોહલીએ આ સ્ટોરીમાં લખ્યું છે કે ‘નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કરવાની આ ઘટનાથી મને ખૂબ આઘાત લાગ્યો છે. ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે હું પૂરા હૃદય ભાવથી દુઃખ વ્યક્ત કરું છું અને ઈશ્વર તેમને આ આપત્તિનો સામનો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. હું એવી પ્રાર્થના (PRAY) પણ કરું છું કે આ ઘૃણાસ્પદ કૃત્યનો ભોગ બનેલાઓને પૂરો ન્યાય મળશે.’
દરમ્યાન હૈદરાબાદમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાનારી મૅચ દરમિયાન ખેલાડીઓ પહલગામના હુમલામાં ભોગ બનેલાઓને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે બીજો પણ એક મોટો નિર્ણય લીધો છે કે આજની એમઆઈ અને એસઆરએચ વચ્ચેની મૅચ દરમ્યાન ચિયરલીડર્સ પર્ફોર્મ નહીં કરે તેમ જ કોઈ પણ પ્રકારના સેલિબ્રેશન વખતે ફટાકડા નહીં ફોડવામાં આવે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ક્ષેત્રે 2008ના મુંબઈ ટેરર અટૅક બાદ સંબંધો વણસ્યા હતા અને એમાં સુધારો થવાનો જે કંઈ થોડો અવકાશ હતો એ પણ હવે દૂર થઈ ગયો છે.
ખેલકૂદને બંને દેશો વચ્ચેના રાજકીય ક્ષેત્રથી દૂર રાખવાની થોડા સમયથી ચર્ચા થઈ રહી હતી, પરંતુ મંગળવારના પહલગામના બનાવ બાદ હવે એ સંભાવના પણ ઝીરો થઈ ગઈ છે.
એવું માનવામાં આવે છે કે ભારત ભવિષ્યમાં આઇસીસીની ઇવેન્ટમાં પણ પાકિસ્તાન સામે કદાચ નહીં રમે.
આપણ વાંચો: આવું કાશ્મીર મેં જોયું છેઃ અનુપમ ખેર સહિત ફિલ્મ હસ્તીઓએ વ્યક્ત કર્યો આક્રોશ