દમણઃ સંસ્કાર, નમ્રતા, પ્રામાણિકતા આ બધું કમનસીબે ખરીદી શકાતું નથી કે વેચી શકાતું પણ નથી. માતા-પિતા અને આસપાસના સારા આચારવિચાર અને વ્યક્તિનો પોતાનો સંયમ તેને દુષણો અને કુટેવોથી દૂર રાખે છે અને તે પોતાની સમજથી આગળ વધે છે. જોકે અહીં વાત એક બાળકની કરવાની છે અને આ બાળકની નમ્રતા અને પ્રામાણિકતા જોઈને નેટીઝન્સ તેના અને તેના માતા-પિતાના વખાણ કરતા થાકતા નથી.
આ પણ વાંચો : સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જે કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે શૂટ થયો છે. અહીં એક સાત-આઠ વર્ષનું બાળક એક મોટી પોલિથિન બેગ સાથે દરિયા કિનારે જોવા મળે છે. તે તળેલા પાપડ વેચી રહ્યો છે. એક પેકેટના 30 રૂપિયાના ભાવે તે વેચી રહ્યો છે, પરંતુ વીડિયો શૂટ કરનાર પાંચ રૂપિયામાં આપવા કહે છે.
થોડીવાર તો બાળક જવાબ આપી નથી શકતો અને પછી ના પાડે છે. ત્યાં પેલો કન્ટેન્ટ ક્રિએટર કહે છે કે મને મારી મમ્મી માટે જોઈએ છે. બાળક આપવા તૈયાર થઈ જાય છે ત્યારે કન્ટેન્ટ ક્રિએટર તેને રૂ. 500 આપે છે. બાળક તે લેવાની ના પાડે છે અને હું મારી વસ્તુ જેટલા જ પૈસા લઈશ, ભીખ નથી માગતો તેનો જવાબ આપે છે. આ વિડિયોને એક કરોડ વ્યુ મળ્યા છે.
બાળકની આ સ્પષ્ટ વાત અને પ્રામાણિકતા નેટીઝન્સને ગમી ગઈ છે. અમુક લોકો તેની માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરવાની અપીલ કરે છે તો અમુક તેના જેવા જો બધા પ્રામાણિક હોત તો દુનિયા કંઈક અલગ જ હોત, તેમ કહે છે.
આ પણ વાંચો : સૈફનું નિવેદન નોંધાયું
એક વાત ખરી કે જો સરકાર, વહીવટદારો અને રાજકારણીઓએ થોડી પ્રામાણિકતા રાખી હોત તો આ બાળક હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરતો હોત અને તેણે આ રીતે રસ્તા પર પાપડ વેચવાનો વારો ન આવ્યો હોત. આ બાળકની પ્રામાણિકતાને સલામ, પણ એક સમાજ અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે તેને શું આપ્યું તે આપણે વિચારવાની જરૂર છે.