Manipur Violence: મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, એકનું મોત 4 ઘાયલ | મુંબઈ સમાચાર

મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, એકનું મોત 4 ઘાયલ

ઇમ્ફાલ: મણિપુરમાં ગત વર્ષે મે મહિનામાં શરુ થયેલી હિંસા હજુ શાંત નથી થઇ રહી, ગઈ કાલે શનિવારે બે સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકપી જિલ્લાની પૂર્વ સરહદની વચ્ચે સ્થિત વિસ્તારમાં બની હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘાયલોને સારવાર માટે ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના બાદ સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચ્યા, ત્યારબાદ બંને જૂથો પાછળ હટી ગયા. અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોમાંથી એકને તેના ચહેરા પર શ્રેપનલ મારવામાં આવ્યો હતો, જ્યારે બીજાને તેની જાંઘમાં ઈજા થઈ હતી.


નોંધનીય છે કે જમીન, પ્રાકૃતિક સંસાધનો અને રાજકીય પ્રતિનિધિત્વ અંગેના મતભેદોને બબાતે મે 2023માં શરૂ થયેલી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચેની હિંસામાંથી મણિપુર હજુ સુધી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી. વિપક્ષનો રાજ્ય અને કેન્દ્ર સરકારો પર આરોપ છે કે 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોની હાજરી છતાં આઠ મહિના પછી પણ મણિપુરમાં હિંસા પર કાબુ નથી મેળવી શકાયો, જે બંને સરકારોની નિષ્ફળતા છે.


દરમિયાન, ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ચુરાચંદપુરમાં એક જાહેર પરામર્શ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેના આંદોલનને આગળ લઈ જવાની રીતો પર ચર્ચા કરી હતી.


ITLFએ જણાવ્યું હતું કે ચર્ચામાં મણિપુર પર કાર્યવાહી કરવા માટે કેન્દ્ર પર દબાણ કેવી રીતે બનાવવું, સસ્પેન્શન ઓફ ઓપરેશન (SoS) ની સ્થિતિ, તેની ચળવળને કેવી રીતે મજબૂત કરવી વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Back to top button