નેપાળમાં ફરી ભડકી હિંસા, ભારત સરહદ કરવામાં આવી સીલ

કાઠમંડુઃ પડોશી દેશ નેપાળમાં ફરી એક વખત હિંસા ભડકી છે. ભારતીય સરહદ નજીક આવેલા નેપાળના પારસા અને ધનુષા ધામ જિલ્લામાં હિંસા ફેલાતા એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ભારત-નેપાળ સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે.
ધનુષા જિલ્લામાં મસ્જિદમાં તોડફોડ બાદ નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ફરી શરૂ થઈ છે. જેની તસવીરો પણ વાયરલ થઈ છે. પારસાના બીરજંગમાં હિંસક પ્રદર્શન પર કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પારસા જિલ્લાની સરહદ બિહારના રક્સોલ જિલ્લાને જોડે છે. દક્ષિણ નેપાળામાં સરહદથી આવ-જા રોકવા માટે ભારતીય સરહદ સીલ કરી દેવામાં આવી છે. માત્ર ઈમરજન્સી સેવાને જ મંજૂરી આપવામાં આવી છે.
ધનુષા જિલ્લામાં કમલા નગરપાલિકામાં મસ્જિદમાં તોડફોડ અને કુરાન સળગાવવાની ઘટના બાદ લોકો ભડક્યા હતા. જે બાદ મુસ્લિમ સંપ્રદાયે વિરોધ પ્રદર્શન કર્યું, જે હિંસક બન્યું હતું. તંત્ર દ્વારા શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન અપાયું છે.
પથ્થરમારા બાદ પોલીસે ટોળાને વેર વિખેર કરવા માટે ટિયર ગેસના શેલ પણ છોડ્યા હતા. અનેક પોલીસકર્મી પણ ઘાયલ થયાના અહેવાલ છે. સૂત્રો મુજબ, સહદેવા, મહદેવા, પનટોકા, સિવાન ટોલા અને મુશહરવા જેવા અન્ય સરહદીય વિસ્તારોમાં પણ સુરક્ષા વધારાવામાં આવી છે. આ વિસ્તારોમાં દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા કર્ફ્યુ દરમિયાન સુરક્ષા દળોને દેખાવકર્તાને ગોળી મારવાનો પણ આદેશ આપ્યો છે. તેમજ લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત આસપાસના વિસ્તામાં હિંસાની સ્થિતિ અંગે 100 નંબર પર જાણ કરવા વિનંતી કરાઈ છે.



