મણિપુરમાં ફરી હિંસા ભડકી: પોલીસ કર્મચારીનું મોત
ઇમ્ફાલ: મણિપુરના તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં બુધવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતાં એક રાજ્ય પોલીસ કર્મચારી શહીદ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહીદ થનારની ઓળખ મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો સાથે જોડાયેલ આઇઆરબી કર્મચારી વાંગખેમ સોમોરજીત તરીકે થઇ હતી. સોમોરજીત ઇમ્ફાલ પશ્ર્ચિમ જિલ્લાના માલોમના
વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું. મોરેહ શહેરમાં બુધવારે સવારે ત્રણ અલગ-અલગ સ્થળોએ શંકાસ્પદ કુકી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારના બનાવો બન્યા હતા. એસબીઆઇ મોરેહ નજીક સુરક્ષા દળોની ચોકી પર આતંકવાદીઓએ બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓએ અસ્થાયી કમાન્ડો પોસ્ટ પર આરપીજી શેલ પણ છોડ્યા હતા અને આસપાસના વિસ્તારમાં પાર્ક કરેલા ઘણા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.
સરહદી શહેરમાં રાજ્ય દળો દ્વારા પોલીસ અધિકારીની હત્યાના બે શકમંદોની ધરપકડ કરવામાં આવ્યાના ૪૮ કલાક પછી કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકી પર ગોળીબાર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ગયા વર્ષે ઑક્ટોબરમાં એસડીપીઓ સીએચ આનંદની હત્યાના બે મુખ્ય શકમંદ ફિલિપ ખોંગસાઇ અને હેમોખોલાલ માટેની ધરપકડ કરી હતી. બંનેને બાદમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરેહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને નવ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. કુકી ઇન્પી ટેંગનોપલ સહિત મોરેહ સ્થિત નાગરિક સંસ્થાઓએ ધરપકડની સખત નિંદા કરી હતી અને ૨૪ કલાકની અંદર બંનેને બિનશરતી મુક્ત કરવાની માગ પણ કરી હતી.