ટોપ ન્યૂઝનેશનલ

Manipur માં ફરી હિંસા ફાટી નીકળી, પાંચ લોકોના મોત, ઉગ્રવાદીઓના ત્રણ બંકર નષ્ટ કરાયા

ઇમ્ફાલ : મણિપુરમાં(Manipur)શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જેમાં જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. આ મામલાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેના પછીના ફાયરિંગમાં ચાર સશસ્ત્ર લોકો માર્યા ગયા હતા.

ઉગ્રવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા

તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ પાંચ કિલોમીટર દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા અને તેને ગોળી મારી દીધી. અધિકારીએ કહ્યું કે હત્યા બાદ જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિલોમીટર દૂર પહાડીઓમાં લડતા સમુદાયના સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ પહાડી ઉગ્રવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.

ઉગ્રવાદીઓના ત્રણ બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા

જ્યારે બિષ્ણુપુરમાં ઉગ્રવાદીઓ દ્વારા રોકેટ હુમલામાં એક વ્યક્તિ માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા પછી, સુરક્ષા દળોએ ચુરાચંદપુર જિલ્લામાં ત્રણ બંકરોનો નાશ કર્યો. પોલીસે શુક્રવારે ચુરાચંદપુર જિલ્લાના મુલસાંગ અ ને લાઈકા મુલસૌ ગામમાં આ અભિયાન શરૂ કર્યું હતું.

પોલીસ ટીમે ઉગ્રવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો

પોલીસે જણાવ્યું કે, ‘ઉગ્રવાદીઓએ બિષ્ણુપુર જિલ્લામાં બે સ્થળોએ લાંબા અંતરના રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું અને અન્ય છ નાગરિકો ઘાયલ થયા હતા. પોલીસ ટીમો અને સુરક્ષા દળોએ નજીકના પહાડી વિસ્તારોમાં ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન બિષ્ણુપુરના પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ આ વિસ્તારમાં પહોંચતા જ શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરીને ઉગ્રવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

ડ્રોન હુમલાના કારણે લોકોમાં ભયનો માહોલ

આ ઉપરાંત ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બે સ્થળોએ ડ્રોન અને બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ડ્રોન જોયા બાદ નારાયણસેના, મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નામ્બોલ કામોંગ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પુખાઓ, દોલાઇથાબી, શાંતિપુર વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. આ સ્થિતિને જોતા સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં પણ કેટલાક લાઇટિંગ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જેના કારણે લોકો ડરી ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button